[ અસંખ્ય સંપ્રદાયો, પંથો, પરિવારો અને મંડળોમાં વહેંચાયેલી પ્રજા ઈશ્વરની જગ્યાએ કોઈ વ્યક્તિની પૂજા કરે છે અને ધર્મની જગ્યાએ ધર્માભાસનું સેવન કરે છે. પ્રજાને જરૂર છે ઈશ્વરના એકીકરણની. હજારો દેવી દેવતા અને ઈશ્વરોમાં જ નહિ પણ વ્યક્તિપૂજામાં વહેચાયેલી ગુમરાહ પ્રજાને એકેશ્વરનિષ્ઠામાં સ્થિર કરવાની જરૂર છે. પ્રજાને જરૂર છે સમાનતા અને સમતા આપનારા માનવતાવાદી ધર્મની. હવે તો નિષ્ક્રિયતાને ખંખેરીને સૌ કોઈ પોતાના જ ભવિષ્યને સુધારવાના કામે લાગે. – સ્વામી સચ્ચિદાનંદ
‘હવે તો જાગીએ’ પુસ્તકની ભૂમિકા માંથી. ]
ભગવાન – આવકનું સાધન
સંપ્રદાયો અને તેમાંથી નીકળેલા પેટા સંપ્રદાયો બહુ જલદી સ્થાયી આવકવાળી નાની, મોટી એસ્ટેટ ઊભી કરી દેતા હોય છે. પ્રજાને ઠાંસી ઠાંસીને ‘ઓવર’ – ધાર્મિક બનાવાઈ છે, જેથી ધર્મના નામે બહુ જલદી તે પૈસાનો ઢગલો કરી આપે છે. નિરાકારી સંપ્રદાયો મુખ્યતઃ સદગુરુની સેવાના નામે તથા સાકારી સંપ્રદાયો ભગવાનના ભોગો નિમિત્તે ભાવિકો પાસેથી પ્રચુર ધન એકત્રિત કરતા રહે છે. ભગવાનના નામે કેસરિયાં દૂધ, માખણ, મિસરી, કાજુ, કિસમિસ, બત્રીસ પ્રકારની મીઠાઈઓ વગેરે વગેરે બહુ સહેલાઈથી હોંસે હોંસે લોકો પાસેથી મેળવી શકાય છે. સૌ જાણે છે કે ભગવાન તો આમાંથી એક કણ પણ આરોગવાના નથી. બસ, આ બધું અંતે તો ભક્તોને જ આરોગવાનું છે. કેટલીકવાર આ બધું ફરી પાછું કમાણી કરવાનું માધ્યમ બનીને આશીર્વાદી વેચાણ દ્વારા કમાણી કરાવી આપે છે. ભક્તિનો ઊભરો લાવો એટલે એક ભક્ત ઉત્તમ કક્ષાનું ગૌદાન કરે, બીજો ઘાસદાન કરે. ત્રીજો ગૌશાળા બાંધી આપે. આ બધું પરમાત્માને દૂધ પિવડાવવા માટે થયું. સૌ દાતા ભક્તો ધન્ય થઇ ગયા, કારણ કે તેઓ પરમાત્માને દૂધ પીવડાવતા થયા. હવે એજ ગાયનું દૂધ પરમાત્માને ધરાવ્યું. પ્રભુએ તો એક ચમચી પણ ન પીધું, પણ એ કઢાયેલ દૂધ શ્રીમંત ભક્તોની પાસે આગ્રહપૂર્વક પહોંચાડવામાં આવ્યું. પ્રભુનો પ્રસાદ અને તે પણ આવો કસદાર પ્રસાદ તો શ્રીમંતોને જ પોસાય. બદલામાં જેની જરૂર હતી તે ધન મળ્યું. સૌને ધન્યતા અનુભવાય છે. ગાય આપનાર, ઘાસ આપનાર, ગૌશાળા બાંધી આપનાર, પ્રભુના પ્રસાદરૂપ દૂધ મેળવનાર અને દક્ષિણા મેળવનાર, બધાં જ ધન્ય છે. હા, આ પ્રભુની પ્રસાદી, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ કે રુગ્ણાલયનાં દર્દીઓ સુધી નથી પહોંચી શકતી! કદાચ એ બધા ભક્તો નહિ હોય કે પછી દક્ષિણાની શક્તિ વિનાના હશે. આવાં અનેક પ્રકારનાં સ્થાપિત હિતો પ્રત્યેક નાનીમોટી શક્તિવાળા ધર્મપુરુષને એકાદ સંપ્રદાય કે પેટા સંપ્રદાય બનાવવાનું આકર્ષણ પૂરું પાડે છે. એક વાર આ રસ ચાખ્યા પછી તેને છોડવાનું મન નથી થતું.
સંપ્રદાયો – હિંદુ પ્રજાની એકતાનું વિઘાતક પરિબળ.
સંપ્રદાય તૂટી ન જાય અથવા ઢીલો ન પડી જાય તે માટે અનુયાયી ઓની સંખ્યા વધારતા રહેવાની ઝુંબેશ, વધારેલા ભક્તોને પાછા બીજા સંપ્રદાયવાળા ખેંચી ન લઇ જાય તેની તકેદારી(કારણ કે તેઓ પણ બીજાના જ ભક્તોને ખેંચી લાવ્યા હતા), તથા આવેલા ભક્તો વધુ ને વધુ ચુસ્ત બને તેવા એકપક્ષીય ઉપદેશો, નિયમો, વ્રતો પળાવવાના પ્રયત્નોનું નામ ધર્મપ્રચાર થઇ જાય છે. કેટલીક વાર ‘સત્સંગ’, ‘અધ્યાત્મશિબિર’ જેવાં મોહક નામો પણ અપાય છે, પણ અંતે તો લક્ષ્ય ઉપર કહ્યું તે જ અર્થાત ચુસ્ત સાંપ્રદાયિકતા. આ રીતે સેંકડો, હજારો, સંપ્રદાયો તથા પંથો હિંદુ પ્રજાને એક થતી અટકાવનારુ વિઘાતક પરિબળ બની જાય છે અને પ્રજાના ભવિષ્યને બગાડે છે. કેટલીક વાર આ બધા ગુરુઓ દેખાદેખી, દેખાવ પૂરતા એક મંચ ઉપર ભેગા થાય છે, એકતાની વાતો પણ કરે છે, પણ તે હાથીના દાંત જેવી, બતાવવા પૂરતી જ, પોતાના ધર્મસ્થાનમાં તો હતા ત્યાં ને ત્યાં, હતા તેવા ને તેવા.
સંપ્રદાયો વિલીન થાય તો અડીખમ ધર્મ બને
છસોથી વધારે રજવાડાં વિલીન થયાં તો એક ભારત થયું. જો આ સંપ્રદાયો પણ મૂળ સનાતન ધર્મમાં વિલીન થાય તો એક ભારત જેવો જ એક અડીખમ ધર્મ બને. પણ રજવાડાંના રાજાઓ જેટલા ઉદાર તથા દેશપ્રેમી હતા તેટલા સંપ્રદાયના ગુરુઓ ઉદાર તથા મૂળ ધર્મપ્રેમી થાય ત્યાં સુધી રાહ જોવાની રહી અથવા સરદાર વલ્લભભાઈ જેવો કોઈ લોખંડી પુરુષ પેદા થાય અને ધર્મચક્રનું પરિવર્તન કરે તો કદાચ આ ભાગાકારમાંથી છુટકારો થાય. કદાચ આ બંને માંથી એક પણ ન થાય તો પણ જો ‘હવેથી એક પણ નવો સંપ્રદાય નહિ થવા દઈએ.’ તેવી પ્રતિજ્ઞા સૌ કોઈ ગ્રહણ કરે તોપણ નવા અનિષ્ટથી તો બચી જવાય. આજે તો એવી દશા છે કે દિવસ ઊગે છે ને એક નવો સંપ્રદાય નીકળે છે. લોકોના ઉદ્ધાર અને કલ્યાણ માટે, મોક્ષનો સર્વોચ્ચ દાવો કરીને લોકોને મોક્ષ માટે સર્વોચ્ચ વચનો આપવા માટે.
ધર્મ નહિ, સંકીર્ણ સાંપ્રદાયિકતા ત્યજવાની છે
જેણે કોઈએ પણ હિંદુ પ્રજાના ભવિષ્યને સુધારવું હોય તેણે આ હજારો સંપ્રદાયોની બાદબાકીને સરવાળામાં બદલવાની સાધના આજથી જ કરવાની રહેશે. આજથી જ એટલા માટે કે તે સ્વયં પોતે સંપ્રદાયમુક્ત બને. તમામ પ્રકારનાં સાંપ્રદાયિક બાહ્યચિહ્નનો ત્યાગ કરે અને માત્ર સનાતન (મૂળ) ધર્મી બને. યાદ રહે: ધર્મનો ત્યાગ નથી કરવાનો, સંકીર્ણ સાંપ્રદાયિકતાનો ત્યાગ કરવાનો છે: વિશાળતા મેળવવા માટે, સાચી એકતા કેળવવા માટે, પ્રજાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે.
૩. વ્યક્તિપૂજા
હિંદુ પ્રજા વિભાજીત પ્રજા છે. તેને સ્થાયી એકતામાં જોડવાના પ્રયત્નો કરવા હોય તો અનેકતાના મૂળ કારણોને સમાપ્ત કરવાં જોઈએ. અનેકતાનાં મૂળ કારણોને ભયના કારણે છંછેડ્યા વિના, તેને ચાલુ રહેવા દઈને જે એકતા માટેના પ્રયત્નો થશે તે ઉપરચોટિયા અને દેખાવ પૂરતા જ હશે. આવા પ્રયત્નોથી સ્થાયી પરિણામ આવવાનું નથી.
પાયાનું કામ ક્યારે થાય?
પહેલાં કહ્યું તેમ પ્રજા વર્ણભેદથી વિભાજીત છે. આજે જયારે અનેક સુધારાકોના ભગીરથ પુરુષાર્થથી વર્ણભેદ તૂટી રહ્યો છે, ત્યારે પણ કેટલાક પ્રભાવશાળી લોકો ફરીથી વર્ણવાદની સ્થાપના કરવા નવી નવી દલીલો લઈને આવે છે અને ભોળા માણસોને ભરમાવે છે. જોકે હવે શિક્ષિત પ્રજા, તેમાં પણ જે લોકોને વર્ણવાદથી પેઢી દર પેઢી સહન કરવું પડ્યું તેની પ્રજા હવે વધુ જાગ્રત બની રહી છે. બીજી તરફ જીવનની આર્થિક આવશ્યકતાઓની દિશાઓ સૌના માટે ઊઘડી ગઈ છે, એટલે વર્ણ પ્રમાણે જ કામ કરવું-કરાવવું શક્ય જ નથી રહ્યું. એટલે વ્યાવહારિક ક્ષેત્રમાં વર્ણવાદનો પ્રભાવ ઘટતો જાય છે, તો પણ સૈદ્ધાંતિક રીતે આ વાદ સાચો હતો અને છે, તેવું ગાણું ગાતા રહેવાથી વ્યાવહારિક જીવન તથા માન્યતાના જીવનમાં ભારે તફાવત તથા સંઘર્ષ રહેવાનો જ. એ મટાડવા માટે અર્થાત ‘માનવ માનવ એક સમાન’ એવો ધાર્મિક પ્રતિઘોષ કરવા માટે મૂળ બ્લુપ્રિન્ટવાળી માન્યતાઓને છોડવી જ પડશે. આ કામ જેટલું જલદી થશે તેટલું જ પ્રજાનું પાયાનું કામ થયું ગણાશે.
બીજું વિભાજક બળ સંપ્રદાયો વગેરે છે, તેની ચર્ચા પણ કરી. બધા જ સંપ્રદાયો, પેટાસંપ્રદાયો, પંથો વગેરે ચાલુ રહે, વધતા રહે અને પાયાની મૂળભૂત એકતા થાય તે શક્ય નથી. હા, બહુ બહુ તો ચૂંટણીઓ પૂરતી એકતા લાવી શકાય. પણ તેથી પાયાનું કામ થવાનું નથી. પાયાનું કામ તો નવા સંપ્રદાયો થતા રોકી શકાય તથા જે છે તેઓનું સંક્ષિપ્તીકરણ કરી શકાય તે છે.
Leave A Comment