[આ લેખનું અક્ષરાંકન સ્વામીજીનાં પુસ્તક ‘ચાણક્યની રાજનીતિ ’ માંથી કરવામાં આવ્યું છે.]

 

मन्त्रकाले न मत्सर: कर्तव्य: || ૩૧ ||
મંત્રણા કરતી વખતે રાજાએ મત્સર કરવો જોઈએ નહિ.

મત્સર ને સમજવો જરૂરી છે. શાસ્ત્રોમાં ષડરિપુ (કામ-ક્રોધ-મદ-મોહ-લોભ અને મત્સર) કહ્યા છે. તેમાં છેલ્લો મત્સર આવે છે. સતત પોતાની શ્રેષ્ઠતાનું ભાન અને બીજાની હીનતાનું જ્ઞાન થતું રહે એટલે માનસમાં એક પ્રકારનો નશો ઉત્પન્ન થાય. અહંકારદશામાં આ નશો વ્યક્ત થઇ જાય. પણ મત્સરદશામાં આવો નશો હોવા છતાં પણ વ્યક્ત ન થાય. તે અંદર ને અંદર રહીને વ્યક્તિને મદહોશ બનાવતો રહે. આવી વ્યક્તિ બાહ્ય વ્યવહારમાં વિનય-વિવેક-નમ્રતા વગેરે બધું જ બતાવે, પણ અંદરથી પોતાને જ સર્વોચ્ચ માને. તેના પરિણામે તે ગુણગ્રાહી ન થઇ શકે. કોઈની સાચી અને હિતકારી વાતને પણ સ્વીકારી ન શકે. રાજાએ આ દોષથી મુક્ત રહેવાનું છે. મંત્રણામાં નાના માણસની પણ યોગ્ય અને ઉચિત વાત માનવાની છે. તેની ઉપેક્ષા થાય છે તેવું તેને ન લાગવું જોઈએ. જો તેને લાગશે કે રાજા મારી યોગ્ય વાતની પણ ઉપેક્ષા કરે છે તો તે ફરી વાર સાચી મંત્રણા કરતો અટકી જશે. પછી તો રાજાને સારી લેગે તેવી ખુશામત જ થવા લાગશે.
એટલે રાજાએ મત્સરભાવ રાખ્યા વિના સરળતાથી મંત્રણા કરવી.