[ગીતામાં યોગની ભૂમિકા, યોગ શબ્દ નો સીધો અર્થ થાય છે બે વસ્તુને જોડવી. ગીતામાં કૃષ્ણ યોગ એટલે શું? એ અર્જુનને સમજાવે છે. આ પ્રકરણ નું અક્ષરાંકન ‘પ્રવચનમંગલ’ પુસ્તક માંથી કરવામાં આવ્યું છે. ]

 

અર્જુનનો પ્રશ્ન છે કે વ્યક્તઅવ્યક્તની ઉપાસના કરનારાઓમાં કોણ શ્રેષ્ઠ છે? શ્લોકમાં આવેલા જુદા જુદા શબ્દોનો પોત-પોતાનો ખાસ અર્થ છે તે આપણે આગળ જોઈ ગયા. હવે આ જ  શ્લોકમાં આવેલા એક શબ્દ તરફ ખાસ ધ્યાન આપવાનું છે. “યોગવિત્તમા:” આ શબ્દ ઉપાસકોનું વિશેષણ છે. તેનો સામાન્ય અર્થ આ પ્રમાણે છે : જે યોગને જાણે તે યોગવીત્ત અને યોગવેત્તાઓમાં જે સર્વશ્રેષ્ઠ હોય તે ‘યોગવીત્તમ’ કહેવાય.
યોગના પણ અનેક અર્થ છે. દર્શનભેદથી, વ્યાખ્યાભેદથી યોગ શબ્દ જુદા જુદા અર્થોનો બોધક રહ્યો છે. તેનો પ્રસિદ્ધ અર્થ આસનપ્રાણાયામ વગેરે ક્રિયાઓથી થનારી સમાધિને બતાવનારો છે. પણ ગીતામાં વપરાયેલ યોગ શબ્દની અભિવ્યક્તિ માત્ર આસનાદિ ક્રિયાઓ પૂરતી જ માર્યાદિત નથી, પણ સમગ્ર જીવનને આવરી લે તેવા અર્થમાં થઇ છે. આમ તો ગીતાના અઢારે અધ્યાયોને યોગ જ ગણ્યા છે, તેમાં પ્રથમ અધ્યાય જેને વિષાદયોગ કહેવામાં આવ્યો છે, તે સમગ્ર યોગોનો આધાર છે. માનવામાં ન આવે તેવી વાત છે: કર્મયોગ હોય, ભક્તિયોગ હોય, જ્ઞાનયોગ હોય, પણ વિષાદયોગ જેવો કોઈ યોગ હોય તે શું નવાઈની વાત નથી? વિષાદ અને વળી યોગ ! બન્નેનો મેળ ખાય જ કેમ? પણ ગીતામાં આવું બન્યું છે. વિષાદમાંથી જ ગીતાની ભૂમિકા સર્જાઈ છે. અર્જુન તે જ હતો ને કૃષ્ણ પણ તે જ હતા. વર્ષોથી બન્ને સાથે રહેતા હતા. પણ ગીતાજ્ઞાનનો યોગ કદી ન આવ્યો, કેમ કે અર્જુનને વિષાદ નહોતો થયો. વિષાદ થયો એટલે ગીતાજ્ઞાનનો યોગ આવ્યો. માણસ લાંબાં ડગલાં ભરી ભરીને સફળતાની સીડીઓ ચઢ્યે જતો હોય, આનંદ-કિલ્લોલમય જીવન હોય, વિષાદ તો લેશ ના હોય, પછી ગીતાજ્ઞાન પ્રત્યે તીવ્ર જીજ્ઞાસાવૃત્તિ ક્યાંથી હોય?
અમારા ઓળખીતા એક રાજકીય કાર્યકર્તા છે. ઘણા બાહોશ, હોશિયાર, પ્રામાણિક તથા સેવાભાવી. ચાલીસ વર્ષ સુધી ઘણી લોકસેવા કરી, કદી નિષ્ફળ જ નહિ. દદરેક ક્ષેત્રમાં સફળ જ થયા કરે. ઠેઠ કેબિનેટ સ્તરના મંત્રી થઇ ગયા. એક તરફ માનવતાવાદી ખરા, બીજી તરફ નાસ્તિક મતના. પણ મંદિર-ભગવાન, પાઠ-પૂજા, સાધુ-સંત કાંઈ ના ગમે. તેમનાં પત્ની બહુ ધાર્મિક, પણ તેમનું કશું ચાલે નહિ. મારા જેવા કોઈ સાધુ સન્યાસીને જમાડવા હોય તો પેલા ભાઈ ઘરમાં ન હોય ત્યારે જમાડે. વિચારોથી નાસ્તિક હોવા છતાં માનવતાવાદી એટલે સજ્જન. અને મારે નાસ્તિકો સાથે વધારે લેણું છે એટલે મારા પ્રત્યે થોડો (વધારે નહિ) પ્રેમભાવ રાખે. એક વાર ચૂંટણી માં ઊભા રહ્યા. કદી પરાજય થયેલો જ નહિ એટલે વિજયના સંપૂર્ણ વિશ્વાસ સાથે ચૂંટણીમાં ઝુકાવ્યું. તેમના વિજયનો વિશ્વાસ તેમના વિપક્ષીઓને પણ દ્રઢ હતો. તો તેમને પોતાને તો શંકા પણ શાની હોય? પણ બધી ધારણાઓથી વિપરીત તેમનો કારમો પરાજય થયો. સંભાવ્ય આપત્તિઓને વ્યક્તિ પૂર્વતૈયારી સાથે ઝીલી લઈ શકતી હોય છે. તમે ધારો તો દશ ફૂટ ઊંચાઈથી કૂદકો મારી હેમખેમ રહી શકો પણ અસંભાવ્ય આપત્તિના પછડાટને માણસ સહન નથી કરી શકતો, જેમ અજાણતાં અડધા ફૂટથી પણ પછડાયેલા પગને ફ્રેક્ચર થઇ જાય છે તેમ આ ભાઈ એવા પછડાયા કે ચાલીસ વર્ષના સતત વિજય પછીનો આ પ્રથમ પરાજય તેઓ સહી ના શક્યા. લોકો પ્રત્યે, પોતાના પ્રત્યે, પાર્ટી પ્રત્યે, કાર્યકર્તાઓ પ્રત્યે, ઘરનાં માણસો પ્રત્યે-સૌના પ્રત્યે તેમને નફરત થઇ ગઈ. સ્વભાવ ચીડિયો થઇ ગયો. સંસાર ઝેર-ઝેર થઇ ગયો.

વ્યક્તિની મહત્તાના માર્ક આપનારો ખરો સમય તેની વિજયવેળા નથી. પરાજયના કપરા કાળમાં પણ જો તેનું સ્વરૂપ મૂરઝાતું ના હોય, વિકૃત થતું ના હોય, તો નક્કી તે કોઈ મહાન વ્યક્તિત્વવાળી વિભૂતિ છે, વિજયનો ઉન્માદ તો કાયરોને પણ ચઢતો હોય છે અને વિજય તો ઘણી વાર અધર્મનો પણ થતો હોય છે. પાપીઓના દિગ્વિજયથી ઇતિહાસ ભર્યા પડ્યા છે. મનુષ્યનું મૂલ્યાંકન માત્ર વિજયથી જ ના થઇ શકે. પરાજયમાં પણ તેનું સ્વરૂપ અવિકૃત રહ્યું હોય તે પરાજિત હોવા છતાં પણ મહાન છે. રાણા પ્રતાપ, ગુરુ ગોવિંદસિંહજીના બે પુત્રો વગેરે તેના દાખલા છે. પણ કારમા પરાજયનો પછડાટ ઘણી વાર કાયમના માટે વ્યક્તિની જીવન-કરોડરજ્જુના મંકોડા વેરવિખેર કરી નાખતો હોય છે. ઘણા માણસો પરાજય પછી કદી બેઠા થઇ શકતા નથી. એક હ પછડાટે જેમનો જીવનરાહ, આદર્શો, લક્ષ્યો બધું હતું ન હતું થઇ જાય તે ખરેખર તકલાદી વિજેતાઓ હતા તેમ સમજવું. રોડ ઉપર ઘણી કારો દોડતી હોય છે. પણ બધી સરખી પછડાટ નથી સહી શકતી હોતી. કેટલીક તો જરા સરખી ઘાંચમાં જ નકામી થઇ જતી હોય છે. જર્મનીની મર્સિડીઝ ગાડીની પછડાટ-ટક્કર અને પ્રતિરોધક શક્તિ એટલી બધી હોય છે કે એંશી માઇલની ઝડપે દોડતી આ ગાડી કોઈથી ટકરાય તોપણ તેનું સ્વરૂપ હતું તેવું ને તેવું જ રહે. બસ આ જ તેનું વ્યક્તિત્વ છે. ઉપરથી ચમકતી ગાડીઓ તો ઘણી હોય, પણ તે જ માત્ર વ્યક્તિત્વ ના ગણાય. ખરું વ્યક્તિત્વ પરાજય કાળમાં પરખાય છે. માણસો પણ કેટલીક ફેશનેબલ કારો જેવા ચમકતા હોય, પણ જરાક પછડાયા કે સીધા ગેરેજ ભેગા. બહુ થોડા મર્સીડીઝ જેવા હોય છે, જેમનું ખરું વ્યક્તિત્વ અંદર હોય છે, બહાર નહિ.

પેલા ભૂતપૂર્વ મંત્રી મહોદય એવા હાર્યા કે તેમને જીવન ભારભાર થઇ ગયું. ઘર બહાર ના નીકળે. શું મોઢું બતાવે ! આવા ઘોર વિષાદમાં તેમની અભણ પત્નીની ધાર્મિકતા તરફ તેમનું મન ખેંચાયું. નાસ્તિક નિરાધાર હોય છે, ભક્ત કદી નિરાધાર નથી હોતો. ભગવાન ખડે પગે તેની સાથે હોય છે. પત્નીની ધાર્મિકતાની હાંસી ઉડાવનાર ભાઈ પોતે ધર્મ તરફ વળ્યા. મને લખ્યું કે કોઈ સારી ગીતા હોય તો મોકલજો. મેં કહ્યું કે સારું થયું કે તમે હાર્યા, જેથી તમને ગીતા યાદ આવી. પરાજય પણ કલ્યાણકારી બને, જો પરાજયના પછડાટથી વ્યક્તિ ધર્મ તરફ વળે.

એટલે ગીતાજ્ઞાન માટે વિષાદયોગ તે પ્રથમ પગથીયું છે. માત્ર અર્જુનને નહિ, આપણને, સૌને કોઈ કોઈ વાર વિષાદ થઇ આવતો હોય છે. આવા વિષાદ ના સમયે જો કૃષ્ણ મળી જાય તો બેડો પાર થઇ જાય. પણ સૌને કૃષ્ણ મળે તેવું સૌભાગ્ય મળ્યું હોતું નથી. જેને ગીતાજ્ઞાન આપનાર કૃષ્ણ મળે છે તેને “तत्रश्रीर्विजयो भूति ध्रुवो नीति:” પ્રાપ્ત થાય છે. પણ જેને નથી મળતા તેનો વિષાદ વિનાશ તરફ ધકેલાઈ જતો હોય છે.

 

આમ, વિષાદ પણ યોગ છે તે આપણે જોયું. પણ સમગ્ર ગીતામાં યોગ શબ્દનો રૂઢાર્થ કર્મયોગમાં કરવામાં આવ્યો છે. યોગમાર્ગ એટલે કર્મયોગમાર્ગ, જ્ઞાનમાર્ગ એટલે સાંખ્યયોગમાર્ગ, વાસ્તવમાં પૂરી ગીતાનું કેન્દ્રબિંદુ કર્મયોગ છે. તેને સુઘડ, સ્વચ્છ બનાવવા માટે ભક્તિયોગ, જ્ઞાનયોગ વગેરે યોગો સહાયક ઉપકરણો છે. ગીતામાંથી જો કર્મયોગના શ્લોકને બાદ કરવામાં આવે તો ગીતા પ્રાણહીન બની જાય. એટલે કર્મયોગને ટૂંકમાં યોગ શબ્દથી કહ્યો છે. યોગી શબ્દનો અર્થ પણ તેવો જ યોગ આચરનારો તેવો મુખ્યત્વે છે:
अनाश्रितः कर्मफलं कार्य कर्म करोति यः |
स सन्यासी च योगी च न निरग्निनेयक्रियः || ૬-૯ ||

 

પાંચમાં અધ્યાયમાં જ્ઞાન અને કર્મયોગને એક બતાવી ‘એક સાંખ્ય ચ યોગં ય: પશ્યતિ’ કહીને સમન્વય કર્યો. છઠ્ઠા અધ્યાયની શરૂઆત યોગી તથા સન્યાસીની એકતા બતાવી ગુણલક્ષી સંન્યાસ બતાવ્યો. અકર્મણ્ય-અગ્નિસ્પર્શને વર્જ્ય સમજી બેઠેલો માત્ર રૂઢિગત સંન્યાસ ગીતાને ઇષ્ટ નથી. ગીતા તો એવા સંન્યાસને ઇષ્ટ સમજે છે જે ઈશ્વરપ્રીત્યર્થ, કામના-રહિત થઈને સતત લોકસેવા કર્યા કરે. જેનું જીવન નિષ્કામ કર્મમય હોય તે ગીતાનો સંન્યાસી છે, યોગી છે, જ્ઞાની છે, ભક્ત છે. સર્વસ્વ છે.