[આ લેખનું અક્ષરાંકન  સ્વામીજીના પુસ્તક ‘વાસ્તવિકતા’ માંથી કરવામાં આવ્યું છે.]

 

૧. હું ચુસ્ત શાકાહારી છું. મેં કદી પણ માંસાહાર કર્યો નથી, તેમ છતાં હું જાણું છું કે વિશ્વ ઉપર શાકાહારીઓએ રાજ કર્યું નથી. કોઈ અપવાદ સિવાય માંસાહારીઓએ જ રાજ કર્યું છે. આ નિયમ જળ, સ્થળ, નભમાં વસનારાં બધા પ્રાણીઓમાં પણ છે.

૨. જળમાં રહેનારા મગરમચ્છ, શાર્ક, વ્હેલ વગેરે માંસાહારીનું રાજ ચાલે છે.

૩. સ્થળમાં સિંહ, વાઘ, દીપડા, ચિત્તા, વરુ વગેરે માંસાહારીનું રાજ ચાલે છે. ઘાસ ખાનારા શાકાહારી પ્રાણીઓ સંખ્યામાં ગમે તેટલાં વિશાળ હોય પણ તેમનું રાજ ચાલતું નથી.

૪. ઘાસાહારી અને માંસાહારી પ્રાણીઓમાં પાયાનો ભેદ સમજવા જેવો છે. માંસાહારી સંગઠિત થઈને શિકાર કરતાં હોય છે. તે આક્રમક હોય છે.

૫. ઘાસાહારી ટોળામાં તો રહે છે, પણ સંગઠિત નથી હોતાં, તે પરસ્પરમાં તો લડતાં રહે છે, પણ શત્રુના હુમલા વખતે સંગઠિત થઈને સામનો કરતાં નથી. બધાં ભાગે છે. પોતાનામાંથી એકાદ પ્રાણી પકડાઈ જાય તો દૂર – ઊભાંઊભાં તેને મરતું જુએ છે. પણ પ્રત્યાક્રમણ નથી કરતાં. તે રક્ષિત જીવન જીવે છે. જાણે કે શિકાર થઈને મરવા માટે જ જન્મ્યાં હોય છે.

૬. જેવું ઘાસાહારી પ્રાણીઓનું તેવું જ મનુષ્યોનું. શાકાહારી મનુષ્યો પણ સંગઠિત થઈને શત્રુ ઉપર હુમલો નથી કરતાં. માંસાહારીઓ સંગઠિત અને આક્રમક હોય છે. તે થોડા હોય તોપણ મોટા ટોળાને ડરાવે છે. મોટા ટોળામાં એકની સાથે ઝઘડો થાય તો બાકીના બધાં દૂર ઊભાંઊભાં જોયા કરે છે. સંગઠિત થઈને પ્રત્યાક્રમણ નથી કરતાં. તેથી થોડી સંખ્યાવાળા માંસાહારીઓનો દબદબો વધી જાય છે. તે રાજ કરતા થઈ જાય છે. પેલા ગુલામ થાય છે.

૭. સુપર શાકાહારીઓ (જે શાકાહારમાં પણ લસણ-ડુંગળી જેવી અનેક વનસ્પતિઓ નથી ખાતા) સુંવાળા સસલા જેવા સુંદર તો દેખાય છે, પણ સિંહ કે વાઘ જેવી ત્રાડ નાખી શકતા નથી. તેથી પોતાની બહેન-દીકરીઓનું રક્ષણ પણ કરી શકતા નથી. તેથી તેમને રક્ષિત જીવન જીવવું પડે છે.

૮. જેમનામાં પરાક્રમ અને પૌરુષ નથી હોતું તે પોતાની સ્ત્રીઓને સાચવી શકતા નથી. પરાક્રમ અને પૌરુષથી મર્દમાં મર્દાનગી આવે છે. ધર્મનું કામ મર્દાનગી આપવાનું છે. નમાલા બનાવવાનું નહિ.

૯. પરાક્રમમુક્ત અને પૌરુષમુક્ત માણસો ઘડનારા ધર્મો તેમનું અહિત જ કરે છે. તેમાંથી છૂટવું જોઈએ.

૧૦. ક્ષત્રિયો વગેરે પ્રાચીનકાળમાં શિકાર કરવા જતા તેથી બે પ્રશ્નો ઉકેલાતા. એક તો તેમનું પરાક્રમ – પૌરુષ વધતું અને બીજું ખેતીને નુકસાન કરનારાં ઢોરોથી ખેડૂતોને છૂટકારો મળતો.

૧૧. જે ચુસ્ત અહિંસાવાદી હોય તે યુદ્ધ ન કરી શકે, યોદ્ધા ન થઈ શકે. કરણ કે તેણે લોહીનું ટીપું પણ જોયું નથી.