[ આ લેખનું અક્ષરાંકન સ્વામીજી ના પુસ્તક ‘વાસ્તવિકતા‘ માંથી કરવામાં આવ્યું છે. ]

 

૧. બધાં સુખોનું મૂળ આરોગ્ય છે.

૨. આરોગ્ય સાચવવાથી સચવાય છે અને ન સાચવવાથી બગડે છે.

૩. આરોગ્યને પૂર્વજન્મનાં કર્મો સાથે કશી લેવાદેવા નથી.

૪. માતા-પિતા તથા બન્ને વંશોનું આરોગ્ય કે રોગો બાળકમાં ઊતરતા હોય છે. એટલે સ્વસ્થ અને બળવાન માતા-પિતા જરૂરી છે.

૫. જે લોકોસ્વસ્થ નથી હોતા, બળવાન નથી હોતાં આનુવંશિક રોગોવાળા છે તેવાં સ્ત્રી-પુરુષોએ કોઈનાં માં-બાપ થવાનું પાપ ન કરવું જોઈએ.

૬. આરોગ્યવાળી માતાનું દૂધ વિશ્વનું સૌથી મોટું ટોનિક છે. બાળકનો તેના ઉપર હક છે. તે ન આપવું તે ચોરી છે, યૌવન ટકાવી રાખવા બાળકના હકને ચોરનાર માતા કેન્સરનું ફળ ભોગવતી હોય છે. એટલે બાળકને માતાનું દૂધ જરૂર પિવડાવવું.

૭. સ્તનપાનની ક્રિયા વખતે બાળક અને માતા બંનેને અનહદ આનંદ થતો હોય છે. માનું માતૃત્વ સોળેકળાએ ખીલી ઊઠતું હોય છે. સંસારનાં બધાં સુખો કરતાં આ માતૃત્વનું સુખ સર્વોત્તમ છે.

૮. પોષણક્ષમ આહાર એ જીવનની ધન્યતા છે, એ મોંઘો જ હોય તે જરૂરી નથી, સસ્તો આહાર પણ પોષણક્ષમ હોઈ શકે છે.

૯. જ્યાં બાળકોને પોષણક્ષમ આહાર ન મળતો હોય અથવા જ્યાં તેમના આહારમાંથી પણ ચોરી કરનારા હોય તે દેશ અને માણસો મહાપાપી છે.

૧૦. માણસ માટે શાકાહાર ઉત્તમ છે, પણ કોઈ માંસાહાર કરતુ હોય તો તેટલા માત્રથી તેના પ્રત્યે ઘૃણા ન કરાય, કે તેવા માણસો અધમ થઇ જતા હોય છે તેવું માની ન લેવાય. ઉત્તમ-મધ્યમ અને અધમ બધે જ હોય છે. આહાર તેમાં મહત્વનો ભાગ ભજવતો નથી. પ્રકૃતિ, સંસ્કાર, ઘડતર અને વાતાવરણ મહત્વનો ભાગ ભજવે છે.

૧૧. શાકાહારી લોકોએ ડુંગળી, લસણ, ગાજર વધુ માં વધુ ખાવાં. આ મહાઔષધો છે, તેના ખાવાથી કોઈ પાપ લાગતું નથી.

૧૨. હળદર-મરચું, ધાણા-જીરું, આદું, રાઈ, મેથી, હિંગ વગેરે બધા મસાલા ઔષધ છે, યથાયોગ્ય જરૂર ખાવાં. તેનાથી ભોજન સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ બને છે. તેમનો ત્યાગ ન કરવો.

૧૩. ભોજન સ્વાદિષ્ટ બનાવીને જમવું. જોતાં જ મોઢામાં પાણી આવે તેવું સ્વાદિષ્ટ ભોજન જલ્દી પચી જતું હોય છે.

૧૪. સ્વાદ વિનાનું, અરુચિકર, કાચું ભોજન આરોગ્ય બગાડે છે. આવું ભોજન ખાવાનો નિયમ ન લેવો. આવા નિયમ લેનારા માણસો દૂબળા-પાતળા, રોગિષ્ઠ અને વહેલા મરી જનારા હોય છે.

૧૫. સતત અકરાંતિયા થઈને ન ખાવું. તેમ દિવસો સુધી સતત ઉપવાસ કરીને ભૂખ્યા પણ ના રહેવું. આ બન્ને છેડા છે. બંનેથી બચવું. યથાયોગ્ય પ્રમાણસરનું ભોજન રોજ કરવું. એ ઉપવાસ કરતાં પણ વધુ ફાયદાકારક છે.

૧૬. બધી સાવધાની રાખ્યા છતાં પણ આરોગ્ય બગડી શકે છે. કેટલીક બીમારીઓ સંક્રમણથી આવતી હોય છે. તો કેટલીકનાં કારણો આપણે જાણી શક્યા નથી. એટલે આવી પોતાની ભૂલ વિનાની પણ બીમારીઓ આવતી હોય છે. તેનો યોગ્ય ઉપચાર કરવો અથવા અસાધ્ય હોય તો સહન કરી લેવી.

૧૭. વ્યાયામ-કસરત-આસનો યથાશક્ય કરવાં. આજકાલ યોગના નામે કસરતો જ કરાવાય છે. સારું છે. તે નિમિત્તે પણ લોકો વ્યાયામ કરે તે સારી વાત છે.

૧૮. યોગના નામે કેટલીક અકુદરતી ક્રિયાઓ કરાવાય છે. તે ન કરવી. જેમ કે નૌલી, નેતી, ધોઉતી, બસ્તિ, ખેચરી મુદ્ર વગેરે. આ ક્રિયાઓ વધુ પ્રમાણમાં કરવવામાં આવે તો તે હાનીકારક છે. કારણ કે આ કુદરતી પ્રક્રિયાથી વિરુદ્ધ છે. એટલે ન કરવી.

૧૯. થોડા પ્રમાણમાં પ્રાણાયામ કરવા પણ બરાબર આવડે તો, નહિ તો ન કરવા.

૨૦. સૌથી નિર્દોષ અને ઉત્તમ વ્યાયામ પાણીમાં તરવાનો છે. એ સગવડ હોય તો શક્ય તેટલું તરવું.

૨૧. તરવાની સગવડ ન હોય તો ઝડપથી ચાલવું. બની શકે તેટલું શુદ્ધ હવાવાળા ક્ષેત્રમાં રોજ ભ્રમણ કરવું. બને તો ઈશ્વરસ્મરણ સાથે ભ્રમણ કરવું.