[આ લેખ નું અક્ષરાંકન સ્વામીજીના પુસ્તક ‘વાસ્તવિકતા’ માંથી કરવામાં આવ્યું છે.]

૧. ધ્યાન કરવું એ જીવનની જરૂરિયાત નથી. તેના વિના પણ સારી રીતે જીવી શકાય છે.

૨. ધ્યાનથી કામ કરવું, એ જ ખરું ધ્યાન છે.

૩. ધ્યાન વધુ પડતું કરવાથી મગજ ડલ થઇ જાય છે.  માણસની સાંસારિક રુચિઓ તથા પ્રવૃતિઓ શિથિલ થઈને સંસારથી ભાગવા માંડે છે, આ આધ્યાત્મિકતા નથી, પલાયનતા છે.

૪. મૂળમાં તો ધ્યાન, અનીશ્વરવાદીઓનું છે.

૫. ઇશ્વરવાદીઓએ ઉપાસના, પ્રાર્થના, ભજન, સ્મરણ, જપ વગેરે કરવાં.
મુસલમાન નમાજ પઢે છે તે ઉપાસના છે. ખ્રિસ્તી પ્રાથના કરે છે તે ઉપાસના છે. હિન્દુઓ દેવ-દર્શન, જપ, ભજન-કીર્તન વગેરે કરે છે, તે ઉપાસના છે, ઉપાસનાના અનેક પ્રકાર છે. પણ નવધાભક્તિમાંથી કોઈ એકાદ ભક્તિ -જે અનુકૂળ આવે અને તમારી પ્રકૃતિને રુચે તે કરવી. સૌથી ઊંચી ભક્તિ શરણાગતિ છે. દાસભાવથી પ્રભુના કાલાવાલા કરવા તે અને શરણાગત થઈને જીવવું તે સર્વોત્તમ સાધના છે. આમાં અહંકાર ઘટે છે, દીનતા, નમ્રતા વધે છે અને વ્યક્તિમાં સંતનાં લક્ષણ વધવા માંડે છે. માટે કોઈ પણ ઉપાસના કરવી.

૬. આજકાલ ધ્યાન કરાવનારા ઘણાં નીકળી પડ્યા છે, ખરેખર તો તેમનું જ ધ્યાન લાગતું નથી, પણ તે યોગી હોવાનો ડોળ કરે છે. કેટલાક શિબિરો લગાવીને પૈસા પણ કમાય છે. તેમનાથી બચવું. તેમાં જવું નહિ, સૌથી મહત્વની વાત એ છે કે અનીશ્વરવાદીઓનાં ગમે તેટલાં પ્રલોભનો હોય તોપણ તેમની શિબિરમાં જવું નહિ. તે તમારી શ્રદ્ધા તોડી નાંખશે. તમે એકે તરફના નહિ રહો. ધ્યાનના નામે તેઓ નાસ્તિક- અનીશ્વરવાદી ધર્મનો પ્રચાર કરતા હોય છે. તેમનાથી બચવું.

૭. આખો દિવસ ઉપાસના ન કરવી, આખો દિવસ કર્તવ્ય-કર્મો કરવાં. કર્તવ્ય-કર્મો છૂટી જાય તેવી કોઈ ઉપાસના ભક્તિ ન કરવી. કર્તવ્યપારાયણ થવું એ જ પ્રથમ ધર્મ છે.

૮. બની શકે તો આખો દિવસ કર્મો કરતાં-કરતાં પ્રભુમાં થોડુંક ચિત્ત રાખવું. સુમિરન કરવું. જેમ અત્યંત પ્રેમીનું સુમિરન થયા કરે છે તેમ.

૯. કુદરતવિરોધી યોગક્રિયાઓ કરનારા તથા કથિત-યોગીઓથી પ્રભાવિત ન થવું. મેં આવા યોગીઓને પાછળથી રીબાઈ-રીબાઈ ને મરતા જોયા છે.

૧૦. આવા કુદરતવિરોધી ક્રિયાઓ કરનારા યોગીઓ લાંબુ જીવતા નથી. નાની વયમાં જ મરી જતા જોયા છે.

૧૧. લાંબુ જીવન તો સહજ જીવન જીવનારા ખેડૂતો, કારીગરો, મજૂરો વગેરે જીવતા હોય છે, એટલે કુદરતવિરોધી ક્રિયાઓવાળા યોગના રવાડે ચઢવું નહિ.

૧૨. પતંજલિ યોગસૂત્રમાં ઈશ્વરની શરણાગતિ સ્વીકારવાનું કહ્યું છે. ‘ઈશ્વર પ્રનીધાનાદવા’ પતંજલિ ઈશ્વરવાદી છે. અનીશ્વરવાદી નથી. તેમનો રાજયોગ છે. હઠયોગ નથી. તેમાં કુદરત-વિરોધી કોઈ ક્રિયા કરવાની કહી નથી.

૧૩. યોગથી ચમત્કારો થતાં નથી. સાચા યોગીઓ ચમત્કારો બતાવતા પણ નથી. ચમત્કારો ગોઠવવાથી થતાં હોય છે. તેને માનવા નહિ. પ્રચારસાહિત્યથી બચવું. તે પ્રમાણિક નથી હોતું. પ્રચાર માટે રચાયેલું આવું સાહિત્ય લોકોને ભરમાવે છે. તેનાથી સાવધાન રહેવું. ધન માટે કે વાડો વધારવા માટે ધૂર્ત લોકો પ્રચારસાહિત્યનો ઉપયોગ કરતા રહે છે.

૧૪. અમુક યૌગિક કસરતો કરવાથી કેટલાક રોગોમાં આરામ રહે છે તે વાત સાચી પણ તેથી બધા જ રોગો અચૂક મટી જાય છે તે વાત સાચી નથી. બેજવાબદાર ગેરેંટી વાળા સાચા નથી હોતા.

૧૫. ધ્યાન કુદરતી નથી એટલે ધ્યાન લાગતું નથી. જબરદસ્તી ન કરો.

૧૬. શું પામવા ધ્યાન કરો છો? શાંતિ? તો તો પછી ક્લોરોફોર્મ જ સૂંઘી લ્યો ને ! એટલે તો કેટલાક ગાંજાનો દમ મારે છે. ધ્યાનથી કામ કરો એ જ મોટું ધ્યાન છે.

૧૭. જે ધ્યાન, કર્તવ્ય છોડાવે, બળ-બચ્ચાં છોડાવે, ઘર છોડાવે તેવા ધ્યાનથી તો ભગવાન બચાવે.

૧૮. મન ચંચળ છે તે વાત સાચી પણ તે કુદરતી છે. ચંચળ મનથી જ્ઞાનવૃદ્ધિ થાય છે. જો મન ચંચળ ન હોય તો જડ થઇ જાય. નિષ્ક્રિયતા અને જડતા એક બરાબર છે.

૧૯. મનને વશમાં કરવાનો અર્થ તેને મરી નાખવું એવો નથી, પણ યોગ્ય દ્રષ્ટિ-દિશા તરફ વાળવું તેવો છે.

૨૦. યોગ્ય દ્રષ્ટિ-દિશા તરફ વળેલું મન સર્જન કરે છે. કલ્યાણકારી બને છે.

૨૧. ગુફામાં કે ઓરડામાં લાંબો સમય ધ્યાન લગાવીને કે સમાધિ લગાવીને (જે ભાગ્યે જ લાગતાં હોય છે) કલાકો સુધી બેસી રહેવું તેના કરતાં દીન-દુઃખી લાચાર માણસોના આંસુ લૂછવા ગંદી ગલીઓમાં ભટકવું વધુ શ્રેષ્ઠ છે. અથવા ગામની સફાઈ કરવી એ વધુ શ્રેષ્ઠ છે. ધ્યાનનું ફળ માત્ર પોતાને જ મળે છે, જયારે સફાઈનું ફળ પૂરા ગામને મળે છે.

૨૨. જયારે જરૂર હોય ત્યારે મન આપોઆપ એકાગ્ર થઇ જાય છે. જેમ કે સોયમાં દોરો પરોવતાં, ગણિત ગણતા, પ્રિય પુસ્તક વાંચતાં કે પ્રિય ફિલ્મ જોતાં, પ્રિય રમતો રમતાં, આ બધી એકાગ્રતા કુદરતી – સહજ છે. જે અસહજ છે તેને સાધવા જશો તો થાકી જશો, હારી જશો. માટે ધ્યાનના રવાડે ન ચઢો પણ ધ્યાનપૂર્વક કામ કરવાના રવાડે ચઢો.