[ સનાતન ધર્મ એટલે શું? માણસે બનાવેલા શાસ્ત્રીય ધર્મ(સંપ્રદાયો), કુદરતે મૂકેલા આવેગો, લાગણીઓ વિશે વિસ્તારથી સમજાવતો, ચિંતનથી ભરેલા આ લેખને આપણે ચાર-પાંચ ભાગમાં માણીશું. પહેલા ભાગમાં કુદરતી ધર્મ એટલે શું? માણ્યું.  આ ભાગ માં આપણે આવેગો, લાગણીઓ અને મનુષ્ય બાકીની સૃષ્ટિ કરતાં કેવી રીતે જુદો પડે છે  તે માણીએ. આ લેખનું અક્ષરાંકન સ્વામીજીના પુસ્તક ‘ઉપસંહાર‘ માંથી કરવામાં આવ્યું છે. ]

આવેગો

માત્ર કામવાસના જ નહિ બાકીના બીજા ક્રોધાદિ આવેગો પણ કુદરતસર્જિત છે અને સૌને થોડી ઘણી માત્રામાં આવતા હોય છે. જીવન માટે તે પણ ઉચિત માત્રામાં જરૂરી છે. પશુ-પક્ષીઓ આ કુદરતસહજ આવેગોથી પ્રેરાઈને જીવન જીવે છે, જેથી તેમના પ્રશ્નો સરળતાથી ઉકેલાતા રહે છે.

લાગણીઓ

આવેગો ક્ષણિક હોય છે. પશુ-પક્ષીઓ વગેરેમાં કામવાસના સ્થાયી નથી હોતી તે આપણે જાણ્યું, પણ આટલા માત્રથી જીવસૃષ્ટિ ચાલી શકે નહિ. જીવસૃષ્ટિ ચલાવવા માટે એક બીજું તત્વ છે ‘લાગણીઓ’ . કામવાસનાના તીવ્ર આવેગથી જે ગર્ભ ધારણ થયો તેના પ્રત્યે એટલી જ તીવ્ર લાગણીઓ પણ ઉત્પન્ન થઇ. પહેલેથી જ પક્ષીઓ માળો બનાવે. તે પણ એવી જગ્યાએ કે જ્યાં શત્રુઓ પહોંચી ન શકે. પછી ઈંડા મૂકવાના, પછી તેનું સેવન કરવાનું, તેમાંથી ચૂજા નીકળે. તેને ખવડાવવાનું, ઊડતાં શીખવાડવાનું વગેરે બધું જ કોઈ તીવ્ર લાગણીઓ દ્વારા થતું હોય છે. માદા, ઈંડા કે બચ્ચાં સાથે તીવ્રતાથી જોડાયેલી રહે છે. તે તેમને મૂકીને ખસતી પણ નથી. કારણ કે કુદરતે મોહ મૂક્યો છે. આવું જ ઘાસભક્ષી તથા માંસભક્ષી પશુઓનું પણ છે. મા, ભૂખી-તરસી હોય તોપણ બચ્ચાંથી દૂર ખસતી નથી. કોઈને નજીક આવવા દેતી નથી. બચ્ચાને મોટું કરવું, તેનું ઘડતર કરવું, આ બધું નર-માદા કરે છે. તે કોઈના ઉપદેશથી નથી કરતાં, કુદરત કરાવે છે. તેથી તો આગળની સૃષ્ટિ ચાલે છે. પરમેશ્વરે જે મોહ મૂક્યો છે તે કલ્યાણકારી છે. એ મોહ ન હોત તો ઈંડા કે બચ્ચાંને મૂકીને નર-માદા ચાલ્યાં ગયાં હોત. અને સૃષ્ટિ સમાપ્ત થઇ ગઈ હોત. પશુ-પક્ષીઓનો કામાવેગ જેમ કાલિક અને સીમિત છે તેમ તેમનો મોહ પણ કાલિક અને સીમિત છે. બચ્ચું પગભર થયું નહિ કે અલગ થયું નહિ. હવે કાંઈ લેવા-દેવા નહિ. બસ કર્તવ્ય પૂરું થઇ ગયું. આ અનાસક્તિ પણ કુદરતે જ મૂકી છે. જે માણસમાં નથી તે પશુઓ વગેરેમાં છે. નિર્મોહી થવા માટે તેમને કથા સાંભળવી નથી પડતી, પોતે વચ્ચે પડીને પણ માદા, નર શિકારીઓથી બચ્ચાંની રક્ષા કરે છે. તે કુદરત સહજ છે. આ બધું કુદરતી ધર્મથી
થયા કરે છે. કોઈના ઉપદેશથી કે કોઈના નિયંત્રણથી નહિ. ઘણી વાર આફ્રિકાનાં જંગલોમાં જોયું છે કે પોતાનાં નાનાં બચ્ચાંને બચાવવા માદા-હરણ કે નર-હરણ પાછળ પડેલા શિકારીઓથી સિંહ વગેરેની વચ્ચે જાણી કરીને આવી જાય છે, જેથી તેનું બચ્ચું બચી જાય છે. આ કુદરતી લાગણીઓ છે.

કુદરતી ધર્મ અને મનુષ્ય

બાકીની બધી સૃષ્ટિ કરતાં મનુષ્ય ઘણો જુદો પડે છે. પ્રથમ તો તેના આવેગો કુદરતી નથી હોતા. તેની લાગણીઓ પણ કાલિક કે સીમિત નથી હોતી, વધારામાં તેની પાસે મહત્વાકાંક્ષા હોય છે. આ ત્રણના કારણે તે માત્ર કુદરતી વ્યવસ્થાથી જ જીવન નથી જીવતો.
તેના આવેગોના ત્રણ સ્તર છે. ૧. કુદરતી, ૨. કુદરતી પણ વિકૃત અને ૩. અકુદરતી. પશુ-પક્ષીઓની માફક મનુષ્યને પણ ભૂખ-તરસ અને કામવાસના વગેરેના આવેગો હોય જ છે. પણ મનુષ્ય તેને વિકૃત કરીને કે અતિરેક કરીને પણ ભોગવે છે. જેમકે ભૂખ ન હોવા છતાં ખાવું, ખા-ખા કરવું, ન ખાવાનું ખાવું. આવું જ પીવાનું. મનુષ્ય કુદરતી આવેગોને વિકૃત કરીને કે અતિરેક કરીને પણ ભોગવે છે. તેની કામવાસના બારે મહિના રહી શકે છે અને દિવસમાં કેટલીયે વાર તે આવેગોને ઊભા કરી શકે છે. આથી પણ વધારે તે અકુદરતી આવેગો પણ ઊભા કરે છે. બધાં જ વ્યસનો અકુદરતી આવેગો છે. દારૂ-બીડી-તમાકુ વગેરે વ્યસનોની તીવ્ર લત લાગ્યા પછી માણસ તેમાં તણાય છે. આ અકુદરતી આવેગોને પૂરા કરવા તે કરવાનું અને ન કરવાનું બધું કરે છે એટલે તેને ઉપદેશની અને નિયંત્રણની જરૂર છે.
આવું જ લાગણીઓનું પણ છે. પશુ-પક્ષીઓની લાગણીઓ બચ્ચું પગભર થાય ત્યાં સુધી જ છે. જ્યારે મનુષ્ય ત્રીજી-ચોથી પેઢી સુધી લાગણીઓની તીવ્રતા છોડી શકતો નથી. એટલે તેને ઉપદેશની જરૂર રહે છે.

મહત્વાકાંક્ષા

આ બન્ને તત્વો કરતાં પણ મનુષ્યની પાસે એક ત્રીજું તત્વ છે “મહત્વાકાંક્ષા” જે પશુ-પક્ષીઓ પાસે નથી હોતી. પશુ-પક્ષીઓને ખાવું-પીવું, સંતાન પેદા કરવાં, તેમને મોટાં કરવાં અને પછી મરી જવું. કુદરતી ક્રમ પ્રમાણે માત્ર આટલા જ ચક્કરમાં તેમણે જીવવાનું હોય છે. જ્યારે મનુષ્યને ઘણી ઘણી મહત્વાકાંક્ષાઓ હોય છે. તે વિશ્વવિજય થવા સિકંદર, નેપોલિયન કે હિટલર થવા માંગે છે. તે કોલંબસ, વાસ્કો-દ-ગામા વગેરે થવા માગે છે, તે તેવો થઇ શકે તેવી તેની પાસે શક્તિ પણ છે. એટલે મનુષ્ય માત્ર કુદરતી વ્યવસ્થા પ્રમાણે જીવન જીવી શકતો નથી. તે પોતાની વધારાની વ્યવસ્થા પણ નિર્મિત કરે છે. આ વધારાની વ્યવસ્થા તે શાસ્ત્રીય ધર્મ.