[ સનાતન ધર્મ એટલે શું? માણસે બનાવેલા શાસ્ત્રીય ધર્મ(સંપ્રદાયો), કુદરતે મૂકેલા આવેગો, લાગણીઓ વિશે વિસ્તારથી સમજાવતો, ચિંતનથી ભરેલા આ લેખને આપણે ચાર-પાંચ ભાગમાં માણીશું. પહેલા ભાગમાં કુદરતી ધર્મ એટલે શું? સમજીશું. આ લેખનું અક્ષરાંકન સ્વામીજીના પુસ્તક ‘ઉપસંહાર’ માંથી કરવામાં આવ્યું છે. ]

હું ધાર્મિક માણસ છું, પણ સાંપ્રદાયિક માણસ નથી. મને લાંબા અનુભવો પછી સમજાયું છે કે ભારતનો મુખ્ય ધાર્મિક રોગ, સાંપ્રદાયિકતા છે. સાંપ્રદાયિકતાથી વિભાજન વધે છે, રાગ-દ્વેષ વધે છે, પરસ્પરના ઝઘડા વધે છે, અસ્પષ્ટતા વધે છે, ખર્ચા વધે છે, અનાવશ્યક બાંધકામ વધે છે, સાધુઓ વધે છે, ઉઘરાણાં વધે છ, આવાં અનેક અનિષ્ટો ઊભાં થાય છે. એટલે મેં સાંપ્રદાયિકતાનો વિરોધ કરી ‘સંપ્રદાયમુક્ત ધાર્મિકતા’ નો વિચાર લોકો પાસે રાખ્યો છે. ઋષિઓથી માંડીને ગાંધીજી સુધીના અનેક મહાનુભાવો સંપ્રદાયમુક્ત ધાર્મિકતા પાળતા હતા. મારી દ્રષ્ટિએ સાચી ધાર્મિકતા સંપ્રદાય દ્વેષી નથી હોતી પણ સર્વ સંપ્રદાયોને મૂળ ધર્મમાં સહિષ્ણુતાપૂર્વક સમીકરણ કરનારી હોય છે. જેમ મહાત્મા ગાંધીજીએ સર્વ ધર્મ સમન્વય યા સમભાવનો પ્રયત્ન કર્યો હતો (જે સફળ ન રહ્યો) તેમ મારો પ્રયત્ન છે કે બધા સંપ્રદાયો મૂળ ધર્મ તરફ પાછા વળે અને માનવજાતિને વિભાજનના અભિશાપથી મુક્ત થવા દે. હું સંપ્રદાયમુક્ત ધાર્મિક હોવા છતાં બધા સંપ્રદાયો પ્રત્યે સહિષ્ણુતાથી વર્તતો રહ્યો છું. સૌની સાથે મારા સારા સંબંધો છે. સૌ કોઈ મને પોતપોતાના કાર્યક્રમોમાં બોલાવે છે, તેને હું મારું સદભાગ્ય માનું છું.

ધર્મનાં ત્રણ પગથીયાં

મારી દ્રષ્ટિએ ધર્મનાં ત્રણ પગથીયા છે : ૧. કુદરતી ધર્મ, ૨. શાસ્ત્રીય ધર્મ અને ૩. રૂઢી ધર્મ.

હિંદુપ્રજા, ધર્મને ‘સનાતન ધર્મ’ એવું નામ આપે છે, પણ સનાતન શબ્દનો કાં તો અર્થ સમજતી નથી અથવા કાં તો પછી તેના તરફ ધ્યાન આપતી નથી. સનાતન એટલે શાશ્વત, કાયમ રહેનારો, આદિ-અંત વિનાનો એવો થાય. ધર્મના નામે અત્યારે જે કાંઈ વિધિ-વિધાનો કર્મકાંડ વગેરે થાય છે તે સનાતન નથી. કોઈ સમયે કોઈથી શરૂ કરાવેલું અને પછી કોઈ સમયે સમાપ્ત થઇ જનારું એ તત્વ છે. એટલે સનાતન શબ્દનો સાચો અર્થ તો થાય છે કાયમ કાયમથી ચાલતી, ચાલી રહેલી, ચાલવાની છે તે. એ છે કુદરતી વ્યવસ્થા, જે સનાતન છે.

કુદરતી વ્યવસ્થા

સૃષ્ટિની તમામેતમામ ચેતના, જીવ-જંતુ – પ્રાણીમાત્ર કોઈ ને કોઈ વ્યવસ્થાને આધીન ચાલી રહી છે. આ જે વ્યવસ્થા છે તે કુદરતી છે, તે ધર્મ છે. સૃષ્ટિરચનાની સાથે જ વ્યવસ્થા-રચના પણ થઇ છે. માત્ર ચેતના પૂરતી જ તે સીમિત નથી પણ કણે કણ સાથે જોડાયેલી આ વ્યવસ્થા છે. તે ધર્મ છે. આ ધર્મથી કોણે ક્યારે શું કરવું, કેમ કરવું, કેટલું કરવું વગેરે નિર્ધારિત છે. આ બધું કરવા માટે કુદરતે(પરમેશ્વરે) આવેગો, લાગણીઓ અને મહત્વાકાંક્ષાઓ જેવાં તત્વો પ્રાણીઓમાં મૂક્યાં છે. ભૂખ અને તરસ જેવા આવેગો પ્રાણીઓને ભક્ષ્ય અને જળ તરફ પ્રવૃત્તિ કરાવે છે. ગમે તેટલી ભૂખ હોવા છતાં ઘાસભક્ષી પ્રાણીઓ ઘાસ ન મળવાથી શિકાર કરીને માંસભક્ષણ નથી કરી શકતાં. આ શાકાહારીપણું કોઈના ઉપદેશથી કે તેમની પોતાની ઉદારતાથી નથી આવ્યું, પણ કુદરતી વ્યવસ્થાથી આવ્યું છે. તે ચાહે તોપણ તે શિકાર ન કરી શકે, ન માંસભક્ષણ કરી શકે. તે માત્ર ઘાસ જ ખાઈને જીવન જીવી શકે. આવી જ રીતે માંસાહારી પ્રાણીઓ માંસના અભાવમાં ઘાસ, ફળ-ફળાદિ ખાઈને જીવી ન શકે, માંસભક્ષણ અને શિકાર કરવાનું કાર્ય એ તેમની ક્રૂરતા નથી પણ કુદરતી વ્યવસ્થા છે. એટલે શિકાર કરવાથી તેમને પાપ નથી લાગતું. કારણ કે જો તેઓ શિકાર ન કરે તો ભૂખે મરી જાય. તેઓ ગમે તેટલું લીલુંછમ ઘાસ મળે તોપણ ખાઈ શકતાં નથી. કારણ કે કુદરતે તેમની વ્યવસ્થા એવી કરી જ નથી. શાકાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનો અનુપાત પણ કુદરતે ભિન્ન-ભિન્ન કર્યો છે. આફ્રિકાનાં આવાં પશુઓના અભયારણ્યમાં મેં પૂછ્યું તો જાણવા મળ્યું કે ત્રીસ લાખ વિવિધ પ્રકારનાં હરણોમાં માત્ર સાતસો સિંહ છે. જરા વિચાર કરો કે ત્રીસ લાખ હરણામાં ત્રીસ લાખ સિંહો હોય તો શું પરિણામ આવે? પહેલા થોડા જ દિવસોમાં બધાં હરણાં શિકાર થઇ જાય અને પછી થોડા જ દિવસોમાં ભૂખ્યા સિંહો મરી જાય. આખી સૃષ્ટિ જ સમાપ્ત થઇ જાય. પણ લાખ્ખો વર્ષોથી આ બધાં પ્રાણીઓ ટકી રહ્યાં છે અને સારી રીતે જીવી રહ્યાં છે. કારણ કે કુદરતે એક સંતુલન રચ્યું છે.
બધાં જ પશુ-પક્ષીઓ વગેરેને જેવો આહાર-તૃષાનો આવેગ થાય છે, તેવો જ કામવાસનાનો પણ આવેગ થાય છે, પણ તે નિશ્ચિત સમયે જ થાય છે – વર્ષમાં એકાદવાર. આવાં સમયે નર-માદા સંભોગ માટે આકુળ-વ્યાકુળ થઇ જાય છે. આ વ્યાકુળતા, કુદરતી વ્યવસ્થા છે. કુદરત તેમનો વંશ ચાલુ રાખવા માંગે છે, એટલે તેણે જ આ પ્રચંડ આવેગ મૂક્યો છે. આ આવેગના કારણે તેઓ જે સંભોગ કરે છે, તે પાપ નથી, પુણ્ય પણ નથી, મોજશોખ પણ નથી, માત્ર કુદરતે કરેલી એક અનિવાર્ય વ્યવસ્થા છે, ધર્મ છે. ગર્ભાધાન થયા પછી તેઓ જે સંયમથી રહે છે તે તેમનો પુરુષાર્થ નથી, પણ કુદરતી વ્યવસ્થા જ એવી છે કે તે ધારે તોપણ (ઋતુકાળ સિવાય) સંભોગ કરી શકે નહિ. કારણ કે તેમને આવેગ જ નથી આવતો. પશુ-પક્ષીઓમાં કામવાસનાનો આવેગ માદાપ્રેરિત હોય છે. અર્થાત માદા જ્યારે રજસ્વલા થાય ત્યારે જ નરને આવેગ આવે. અને માદાને વર્ષમાં (અથવા કુદરતનિર્ધારિત સમયમાં) એક જ વાર રજોદર્શન થાય છે. (સ્ત્રીઓની માફક દર અઠ્ઠાવીસ દિવસે નથી થતું) આજે રજસ્વલા થવાનું સમયનિર્ધારણ તે કુદરતે કર્યું છે. એકને અઠ્ઠાવીસ દિવસ અને બીજાને એક-બે કે ત્રણ વર્ષ. ખાસ કરીને ઘાસ ખાનારાં પ્રાણીઓને એક જ બચ્ચું થાય છે તો માંસભક્ષી પ્રાણીઓને બે-ત્રણ-ચાર નીકળે તો કેટલાકમાં (સર્પો વગેરેમાં) દસ-વીસ પણ નીકળે જ્યારે માછલી વગેરેમાં સેંકડો-હજારો નીકળે.

આ પ્રમાણે ભિન્ન-ભિન્ન વ્યવસ્થા સકારણ છે. નિષ્કારણ નથી. માંસભક્ષી પ્રાણીઓની માદાને ચાર-છ કે આઠ સ્તન હોય છે, જેથી પ્રત્યેક બચ્ચાને ધાવવાનું મળી રહે. બીજી તરફ સ્ત્રીને માત્ર બે જ અને ગાય-ભેંસ-હરણ વગેરેને ચાર સ્તન હોય છે, જે તેના એક જ બચ્ચા માટે પર્યાપ્ત થઇ શકે છે. આ આવેગો ન હોત તો સૃષ્ટિ ક્યારનીયે સમાપ્ત થઇ ગઈ હોત. પણ કુદરત જ આવેગોના દ્વારા સૃષ્ટિક્રમને ચાલુ રાખે છે. આ સનાતન ધર્મ છે. પૂર્વે કહ્યું તેમ પશુ-પક્ષીઓને માદાપ્રેરિત આવેગ હોય છે. જેમકે સો ગાયો વચ્ચે એક સાંઢ રહે છે. પણ તે કદી કોઈ માદાની છેડતી કે બળાત્કાર નથી કરતો. જ્યારે કોઈ માદા રજસ્વલા થાય અને એક ખાસ પ્રકારની વાસ છોડે ત્યારે જ સાંઢ તેની પાછળ-પાછળ ફરે છે અને પ્રજનનક્રિયા પૂરી થાય પછી તે બન્ને એકબીજાથી મુક્ત થઇ જાય છે. બાકીના સમયમાં તે ધારે તોપણ પ્રજનન ન કરી શકે, કારણ કે કુદરતે વ્યવસ્થા જ એવી કરી છે. નરને માદાપ્રેરિત આવેગ આવે અને માદાને રજોદર્શનપ્રેરિત આવેગ આવે. તે સિવાય નહિ. આ જ કારણસર સો ગાયો વચ્ચે એકાદ સાંઢ પર્યાપ્ત થઇ જાય. સો ગાયો વચ્ચે સો સાંઢ રાખી શકાય નહિ. વાનરોમાં વધારાના નરવાનરોને કાઢી મૂકવામાં આવે છે. દસ-વીસ વાનરીઓ વચ્ચે માત્ર એક જ નરવાનર રહેતો હોય છે. પેલા કાઢી મુકાયેલા નરવાનરો પોતાનું એક ટોળું બનાવીને અલગ રહેતા હોય છે. આ બહુ તોફાની, ઉગ્ર અને કૂદાકૂદ કરનારા હોય છે, જ્યારે પેલો વાનરીઓમાં રહેનારો વાનર અપેક્ષાકૃત ડાહ્યો, ગંભીર અને ઠરેલ હોય છે. નરવાનર મરી જતાં વાનરીઓ નવો વાનર શોધી લે છે અથવા સ્વીકારી લે છે. આવું જ સિંહો વગેરે પ્રાણીઓનું પણ હોય છે. બધે જ જોશો તો નરપ્રધાનતા દેખાશે. માદાની પ્રધાનતા ભાગ્યે જ જોવા મળશે.
જે સ્તન વિનાનાં પક્ષીઓ વગેરે છે તે બે-ચાર-છ ઈંડા મૂકે છે અને નર-માદા બન્ને મળીને માળો બનાવીને તેને ગરમી આપી પછી સેવે છે. આ બચ્ચાં દૂધ નથી પીતાં, કારણ કે માદાને સ્તન જ નથી. એટલે કુદરતે માદાના શરીરમાં દૂધની વ્યવસ્થા નથી કરી. બચ્ચાં સીધાં જ ખોરાક ખાય છે. જે નર-માદાની ચાંચમાંથી પોતાની ચાંચમાં સ્વીકારે છે. પ્રજનનથી માંડીને માળો બાંધવો, ઈંડા સેવવાં, તેમને ખવડાવવું, ઊડતાં શીખડાવવું આ બધું કુદરતી વ્યવસ્થાથી થાય છે. કોઈના ઉપદેશથી નથી થતું. આ જ સનાતન ધર્મ છે.