[ શ્રીકૃષ્ણ એટલે શું? અંતર્ગત આ બીજા ભાગમાં કાલીયનાગનું આધ્યાત્મિક રૂપ અને વ્રજ નો સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલો ભાગ વાંચવા માટે અહીં ક્લીક કરો.]

કાલીયનાગનું આધ્યાત્મિક રૂપ

કાલીયનાગની લીલાને સૌ જાણે જ છે. ઘણાના ઘરમાં તો ચિત્ર પણ હશે. પણ હવે આપણે જોવાનું છે કે શું આ કોઈ વાસ્તવિક ઘટના હતી કે પછી કોઈ આધ્યાત્મિક રૂપક હતું? આવો, પ્રથમ બૌદ્ધિક સ્તરે તેની ચકાસણી કરીએ.
ગેડીદડે રમવું તે બરાબર છે, પણ દડો કાલિંદીના ધરામાં પડતાં ડૂબી ગયો? પ્રવાહમાં તણાયો નહિ? કપડાં કે એવી તરનારી વસ્તુનો દડો બન્યો હશે, કાંઈ લોખંડનો તો નહિ જ હોય ને ! જો દડો તરે તો લાંબાં લાકડાં વગેરેથી પણ ખેંચી લઇ શકાય. તરતો તણાય તો દૂર જઈને લઈ શકાય પણ આ દડો પડ્યો તેવો જ તે જ જગ્યાએ ડૂબી ગયો લાગે છે.

બીજી વાત: દડો લેવા શ્રીકૃષ્ણ કદંબના વૃક્ષ ઉપર ચઢે છે. ચાણક્યે એક નીતિશ્લોક લખ્યો છે:

નદીતીરે ચ એ વૃક્ષા: પરગેહેષુ કામિની
મંત્રીહીન: રાજાનાં શીઘ્ર નશ્યંતિ ન સંશય: ||

નદીકિનારે ઊભેલા વૃક્ષો બહુ અલ્પજીવી હોય છે. એકાદ વાર પૂર આવે ને કિનારા ધોવાય એટલે તે તણાય જાય. વળી, જે સ્ત્રી વગર કારણે પારકાં ઘરોમાં આથડતી ફરતી હોય, આ ઘર ને પેલું ઘર ખી…ખી… કર્યા કરતી હોય તે સ્ત્રી અલ્પજીવી હોય છે. થોડા જ સમયમાં તે કલંકિત થઇ જતી હોય છે. તેના તરફ લોકો આંગળી કરતા થાય છે. શંકા-કુશંકાના ચકડોળે તેનું વ્યક્તિત્વ વીંખાતું-પીંખાતું નિસ્તેજ બની જાય છે. કાં તો તે કોઈ કાંડની નાયિકા બની બેસે છે, યા સ્વયં અગ્નિ બની સ્વયંને બાળી મૂકે છે. જે સ્ત્રીનો પગ પોતાના ઘરમાં ટકે છે, તે જ જીવે છે, તેનું જ વ્યક્તિત્વ ખીલે છે. આનો અર્થ એવો નથી કે બીજાના ઘરમાં જવું જ નહિ. પ્રસંગ ઉપર, કાર્ય માટે સૌને જવું આવવું પડતું હોય છે અને જવું જ જોઈએ. પણ જે વિના પ્રસંગે, વિના કારણે યોગ્ય-અયોગ્યનો વિચાર કર્યા વિના રખડતી ફરે છે તેના માટે ચાણક્યે નીતિવાક્ય લખ્યું છે કે તેનો નાશ થઇ જશે.
અને ‘મંત્રીહીના’ રાજાઓ એટલે મંત્રણા વિનાના રાજાઓ. યોગ્ય સલાહકારોની સલાહ લીધા વિના, આવેશમાં આવીને શીઘ્રતાથી નિર્ણય કરી બેસનારા રાજાઓ, નેતાઓ બહુ શીઘ્ર નષ્ટ થઇ જતા હોય છે. ધીર-ગંભીર, શાંત સ્વભાવવાળી વ્યક્તિ જેટલા નિરાપદ નિર્ણયો કરી શકે છે તેટલા નિરાપદ નિર્ણયો અધીર, ચંચળ, અશાંત, અહંકારી વ્યક્તિ નથી કરી શકતી હોતી.
તો પ્રથમ વાત તો આ જ વિચારવાની કે શું કદંબ વૃક્ષ એકદમ પ્રવાહને અડીને ઊભું હતું ! મોટા ભાગે આવું નથી હોતું. પ્રવાહ નદીના એક નાના ભાગમાં હોય છે અને કિનારઓ દૂર દૂર હોય છે. વિશાળ ભાગ કાંપ રેતીથી ભરાયેલો હોય છે. પછી પેલો કિનારો આવે. ત્યાં પણ પૂરના કારણે ભાગ્યે જ વૃક્ષો બચ્યાં હોય છે. પણ અહીં તો બિલકુલ કિનારે જ કદંબનું વૃક્ષ છે.

ત્રીજી વાત : વૃક્ષ ઉપર ચડવાની શી જરૂર? ડૂબકી લગાવનાર જાણે છે કે બહું ઊંચેથી ભૂસકો મારવાથી કે વેગપૂર્વક નીચે પાણીમાં ઊતરી તો શકાય પણ નીચે ગયા પછી વેગનો પ્રતિવેગ થાય એટલે નીચે ટકી ના શકાય. પાણીની નીચે જઈને ટકવું હોય તો ભૂસકો મારવા કરતાં રેચક કરીને જાય તો વધુ સારી રીતે જઈ શકાય, ટકી શકાય.

ચોથી વાત : નાગ-નાગણીઓ પાણીમાં લાંબો સમય રહી ના શકે. તેમને પણ આપણી માફક જ પ્રાણવાયુની આવશ્યકતા છે. માછલીની માફક તે પાણીમાંથી પ્રાણવાયુ ચૂસી શકતાં નથી. એટલે નાગ વગેરે પાણીમાં તરે તો તે પણ માથું ઉપર રાખીને જ તરે. ડૂબકી મારે તો તે પણ થોડી ક્ષણો સુધી જ પાણીમાં રહી શકે. પણ અહીં તો જળના તળિયે નાગનું આખું ભવન છે. પોઢ્યો છે. કોઈ જંતુશાસ્ત્રીને પૂછો તો કહે કે આ શક્ય નથી.

પાંચમી વાત : માનો કે આ બધું કોઈ રીતે શક્ય બન્યું, તોપણ માખણમીસરી ખાઈને હૃષ્ટપુષ્ટ થયેલા શ્રીકૃષ્ણ જ્યારે કૂદીને જમુનાજીમાં પડ્યા ત્યારે કેટલું પાણી ઊછળ્યું હશે, હાલ્યું હશે? ઠેઠ નાગ સુધી પહોંચ્યા તોયે નાગની ઊંઘ ના ઊડી.

છઠ્ઠી વાત: નાગણીઓ શ્રીકૃષ્ણના સૌંદર્ય વગર મુગ્ધ થઇ ગઈ. તેમને પાછા વળી જવા સમજાવ્યા છતાં કૃષ્ણ ના સમજ્યા. અંતે નાગણીઓએ નાગ ને જગાડ્યો. બન્ને વચ્ચે ઘોર યુદ્ધ થયું. મલ્લયુદ્ધ માણસ-માણસનું યુદ્ધ હોય, સાંઢ, રીંછ, સિંહ જેવા જાનવરો સાથે પણ હોય. પણ નાગ સાથે કેવી રીતે મલ્લયુદ્ધ થઇ શકે ! “બાથે વળિયા” કહ્યું છે. નાગની સાથે બાથે વળી શકાય? નાગને તો માત્ર ડંખ જ મારવાનો હોય. આવો ભયંકર ઝેરી સર્પ ઠેઠ હારી જાય છે ત્યાં સુધી ડંખ નથી મારતો તો શું બતાવે છે? નાગ તો ઠીક પણ આ યુદ્ધ જોનાર નાગણીઓ પોતાના પતિના પરાજયને જોઈને પણ વચ્ચે આવતી નથી. મદદ કરતી નથી. ડંશતી નથી અને ટગર ટગર જોયા કરે છે. શું આ શક્ય છે?

સાતમી વાત: નાગનો પરાજય થયો, ઠીક છે. પણ તેની ફેણમાં શ્રીકૃષ્ણે નાથ નાખી દીધી. શું તાંબા-પિત્તળના વાયર સાથે લઈને કૃષ્ણ ગયા હતા? બળદ-ભેંસ-રીંછ વગેરે જાનવરોને નાથ નાખેલી જોઈ હશે. પણ નાગને અને તે પાછો હજાર ફેણવાળા નાગને હજાર નાથો નાખવાનું શું કોઈ ઘટનાત્મક હોઈ શકે?

આઠમી વાત: આટલો બધો સમય શ્રીકૃષ્ણ જળમાં રહ્યાં, વાતો કરી, યુદ્ધ કર્યું તે તેમને પ્રાણવાયુની જરૂર નહિ પડી હોય?

જો તમને એમ લાગે કે આ કોઈ લૌકિક ઘટના નથી તો આવો, તેના રૂપકમાં સંતાયેલી આધ્યાત્મીક્તાને ઓળખીએ. શ્રીકૃષ્ણ એ યોગી છે. યોગસાધનાનું કેન્દ્ર મન છે. હજારો ફેણો એ હજારો વૃત્તિઓ છે, દુર્વૃત્તિઓ. જેના દ્વારા વિષવમન થયા જ કરે છે. અતિશય વિષયી મન એ કાલીયનાગ છે, વિષયરૂપી વિષથી ભરપૂર આ મનરૂપી નાગ ઊડતા પંખીઓ પાડે છે. એટલું હળાહળ છે. કાલિન્દીનો ધરો એ હૃદય છે. આ હૃદયરૂપી ધરામાં આ મનસ્વી નાગ બેઠો છે. પાંચ નાગણીઓ તે પાંચ ઇન્દ્રિયો છે, જે અહર્નિશ તેની સેવામાં તત્પર રહે છે. આ વકરેલા મનને જે નાથે તે કૃષ્ણ કહેવાય, કારણ કે તેણે જ જ્ઞાનનો દડો દબાવ્યો છે. તેને હરાવી વશમાં કરે તે જ પેલા જ્ઞાનદડાને મેળવી શકે. કદમ્બવૃક્ષ એ સુષુમ્ણા નાડી છે. યોગી પ્રાણની પ્રક્રિયાના બળે સુષુમ્ણા ઉપર ચઢે. પછી ભૂસકો મારે અને મન સાથે તુમુલ યુદ્ધ કરે. મનરૂપી નાગ હારે. મન હારે એટલે નાગણીઓ રૂપી ઇન્દ્રિઓ હારેલી જ છે. તે બધાં હાથ જોડીને પ્રાર્થના કરે. મોતીએ વધાવે, અમારા પતિને મારશો નહિ. મનને કદી મરાતું નથી, વરાતું હોય છે. મન તો જીવન છે. મન જેવો કોઈ શત્રુ નથી અને મન જેવો કોઈ મિત્ર નથી. વશ થયેલું મન અમૃત છે, મિત્ર છે; વશમાં ના હોય તેવું મન ઉપાધિઓનો ભંડાર છે. જીવનની બન્ને બાજુઓની વચ્ચે મન છે. જો તે નાથેલું હોય તો તમારા જેવો કોઈ સુખી નથી; જો તે નાથ્યા વિનાનું હોય તો ચક્રવર્તી રાજા હોય તોપણ તેના જેવો કોઈ દુઃખી નથી એટલે સુખની સાધનામાં સામગ્રીઓની જેટલી મહત્તા છે તેથી હજારગણી મહત્તા મન:સ્થિતિની છે.

મન:સ્થિતિ કેળવાયેલી હોય તો ઓછામાં ઓછી સામગ્રીથી પણ માણસ સુખશાંતિનો અનુભવ કરી શકે છે. મનને મારવાનું નામ જીવન નથી, પણ તેનું સ્થાન બદલી નાખવાનું છે; આ કિનારો જે વિષયવાસનાનો કિનારો છે; તેને છોડીને પેલો કિનારો જે બ્રહ્મકિનારો છે ત્યાં પહોંચાડી દેવાનું છે. પછી તે જ હળાહળ ઝેરવાળું મન પરમ અમૃતમય બની જાય. મનને કેળવવામાં અને વાળવામાં જીવન છે. પાંચ નાગણીઓ તે ઇન્દ્રિઓ ખરેખર નાગણીઓ જ છે. તે બધી મનની સેવા માટે વિષયોમાં, ફાંફાં માર્યા જ કરતી હોય છે. મન જ્યાં વિષયકિનારે થી બ્રહ્મકિનારે પહોંચી જાય એટલે ઇન્દ્રિઓ પણ બ્રહ્મકિનારે પહોંચી જાય. આખા વ્રજમાં આનંદ આનંદ થઇ જાય. વ્રજનો અર્થ સમજ્યા?

વ્રજ

વૈષ્ણવો ચોરાશી કોશની વ્રજની યાત્રા કરતા હોય છે-લીલી તથા સૂકી પરિક્રમા. વ્રજના ચોરાશી કોશ શા માટે કહ્યા હશે? વિચાર કરો. પ્રત્યેક વ્યક્તિનું શરીર તેના હાથ પ્રમાણે સાડા ત્રણ હાથનું થાય. પ્રત્યેક હાથ બે વેંતનો થાય. એટલે સાત વેંતનું શરીર થાય. પ્રત્યેક વેંત બાર આંગળની થાય. એટલે પ્રત્યેક વ્યક્તિનું શરીર ચોરાશી આંગળનું થાય. આ જ વ્રજ છે. ‘વ્રજતીતિ વ્રજ:’ જે ચાલ્યા કરે, ગતિમાન રહ્યા કરે તે વ્રજ. આ શરીર સતત ગતિશીલ છે. બાળક, યુવાન તથા વૃદ્ધાવસ્થા: એક પછી એક અવસ્થામાં તેની ગતિ ચાલુ જ રહે છે, એટલે તેને વ્રજ કહ્યું છે. આ જ વ્રજમાં ગોપગોપીઓ છે, કંસ છે, શ્રીકૃષ્ણ છે, નંદજશોદા છે, અઘાસુર વગેરે અસુરો છે. કશું બહાર નથી. જે છે તે બધું અંદર છે. જે ખોળે તે પામે. આવા વ્રજને ઝેરમય બનાવી દેનાર નાગ તે મન જ છે, તેને નાથવો એટલે વશમાં કરવો. તે જે કરે તે વ્રજને સુખી કરે. બાકી બધા દુઃખી થયા કરે.