[ કર્મ વિષે ઘણું લખાયું છે. આ લેખ માં આપણે સ્વામીજી નાં કર્મ વિષે નાં વિચારો માણીએ. આ લેખ આપણે બે ભાગમાં માણીશું. આશા છે કે સુજ્ઞ વાચકો પોતાના વિચારો પણ વ્યક્ત કરશે. આ લેખ સ્વામીજી ના પુસ્તક ‘ઉપસંહાર’ માંથી લેવામાં આવ્યો છે. ]

 

‘કરેલું કર્મ અવશ્ય ભોગવવું પડે છે’ તેવો સિદ્ધાંત લગભગ બધા ધર્મોનો છે, પણ તેમાં જુદી-જુદી માન્યતાઓ પણ છે.
૧. કોઈ પણ સ્થિતિમાં કર્મ માફ થતાં નથી, તેને ભોગવવાં જ પડે છે, કર્મો ભોગવવા માટે તો જન્મો થતા રહે છે. જો જન્મો ન કરવા હોય તો કર્મોને તપસ્યાના દ્વારા ખપાવવાનાં, ખપાવેલાં કર્મો ફળ નથી આપતાં, આવા જીવો મોક્ષની ભૂમિકા તૈયાર કરે છે. કાંઇક આવું જૈનો માને છે.

૨. બૌદ્ધો પણ કર્મફળવાદી છે.
૩. હિન્દુઓ પણ કર્મફળવાદી છે. ફરક એટલો છે કે કેટલાક મતોમાં પરમેશ્વર કર્મોને ક્ષમા કરી શકે છે. તો કેટલાક મતોમાં જ્ઞાનરૂપી અગ્નિ પ્રગટ થતાં બાકી રહેલાં કર્મો બળીને ખાખ થઇ જાય છે( ज्ञानाग्नि: सर्वकर्माणि भस्मसात् कुरुतेडर्जुन – गीता) અર્થાત તીવ્ર તપસ્યાથી કર્મોનો ક્ષય નથી થતો, પણ જ્ઞાનરૂપી અગ્નિ પ્રગટ થવાથી તેનો ક્ષય થાય છે. અને જ્ઞાન એટલે પોતાની વ્યાખ્યા પ્રમાણે માની લીધેલું જ્ઞાન, જે બીજાની દ્રષ્ટિએ અજ્ઞાન પણ હોઈ શકે.

૪. ખ્રિસ્તીઓ-મુસ્લિમો તીવ્ર કર્મફળવાદી નથી. ખ્રિસ્તીઓ એમ માને છે કે ખ્રિસ્તીધર્મનો સ્વીકાર કરનારનાં પાપો, જિસસે ભોગવી લીધાં એટલે તે પાપ વિનાનો થઈને પ્રભુના રાજ્યમાં (સ્વર્ગમાં) કાયમ વસવાનો અધિકારી બને છે. પાપ તો માફ થયાં, પણ પુણ્યોનું શું થાય? શું તે સ્વર્ગમાં ભોગવાય છે? જો એવું હોય તો સ્વર્ગમાં પણ જુદા-જુદા પુણ્ય કર્મોવાળા અસંખ્ય જીવો એકત્ર થાય, તે બધાની સ્થિતિ એકસરખી ન રહે. કારણ કે બધાંનાં પુણ્યકર્મો એકસરખાં ન હોય. વળી પુણ્યકર્મો ભોગવી લીધા પછી જીવનું શું થાય? એક પ્રશ્ન એવો પણ થાય કે પુણ્યકર્મો સ્વર્ગમાં કેવી રીતે ભોગવાય છે? કશું ભોગવ્યા વિના જ તે ત્યાં સ્વર્ગમાં પડ્યો રહે કે નવાં પુણ્યકર્મો કરવા પાછો સંસારમાં આવે? ઘણા પ્રશ્નનો થાય. ખ્રિસ્તીધર્મે, પાપનો તો નિવેડો બતાવ્યો છે, પણ પુણ્ય માટે કાંઈ વિચાર્યું લાગતું નથી. અથવા કહો કે પુણ્યો ભોગવ્યા વિના જ સમાપ્ત થઇ જાય. જે હોય તે – કર્મો અવશ્ય ભોગવવાં જ પડે છે, તેવો તેમનો સિદ્ધાંત નથી લાગતો.

૫. લગભગ આવું જ મુસ્લિમોનું છે. ‘તોબા’ કરવાથી સાચા મુસલમાનનાં કર્મોને અલ્લાહ માફ કરી દે છે. પણ અહીં પણ એક શરત છે કે તોબા કરનાર ઈમાનવાળો સાચો મુસલમાન જ હોવો જોઈએ. જો તે મુસલમાન ન હોય તો તોબા કરવા છતાં પણ તેનાં કર્મો માફ થાય નહિ. અહીં પણ પાપકર્મોની માફી ઉપર ભાર છે. પુણ્યકર્મોનું શું થાય છે? તે ભોગવવાનાં હોય તો સ્વર્ગમાં નાના-મોટા પુણ્યાત્માઓ રહેવાના અને પુણ્યો ભોગવાઈ રહ્યા પછી શું થાય છે? વગેરે પ્રશ્નો ઊભા રહે છે. ગીતા કહે છે કે, ‘ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકે વિશન્તિ. ‘ અર્થાત સ્વર્ગમાં પુણ્યકર્મો ક્ષીણ થઇ ગયા પછી જીવાત્મા ફરી પાછો મૃત્યુલોકમાં જન્મ ધારણ કરે છે. અહીં પણ પ્રશ્ન એ થાય છે કે પુણ્યકર્મોનો ક્ષય થઇ ગયા પછી જીવાત્મા ક્યાં કર્મોના આધારે નવો જન્મ ધારણ કરે છે? પાપકર્મો બચી ગયાં હોય તેના આધારે? તો તો સ્વર્ગથી આવનારા બધા જીવાત્માઓ માત્ર પાપકર્મો લઈને જ આવતા હોવાથી મહાદુઃખી અને ઘોર કર્મો કરનારા થઇ જાય. અને હા, પાપકર્મો ભોગવવા તે નરકમાં જઈને પાપકર્મો ભોગવી લે અને સ્વર્ગમાં જઈને પુણ્યકર્મો ભોગવી લે, આ રીતે તે કર્મશેષ થવાથી આપોઆપ મુક્ત થઇ જાય !!! જો પાપ અને પુણ્ય નવા જન્મોમાં પણ ભોગવાતા હોય તો સ્વર્ગ-નરકની ઉપયોગીતા જ ક્યાં રહી? અને એ પાપ-પુણ્ય સ્વર્ગ-નરકમાં ભોગવાઈ જતાં હોય તો નવા જન્મની ભૂમિકા જ ક્યાં રહી? તો શું એવું બને કે કેટલાંક પુણ્ય-પાપકર્મો સ્વર્ગનરકમાં ભોગવાય અને કેટલાંક નવા જન્મોમાં ભોગવાય? પણ આવું શા માટે કરવામાં આવે? કોણ કરે?

મને લાગે છે કે આ બધામાં વાસ્તવિકતા કરતાં કલ્પના ઘણી છે. સ્વર્ગ-નરક એક કલ્પના છે. પુનર્જન્મની વાતો પણ કલ્પના જેવી લાગે છે. વાસ્તવિકતા એ વર્તમાન જીવન છે એટલે તેનો વાસ્તવિક ઉકેલ વર્તમાનને સમજીને જ લાવી શકાય.

વળી સ્વર્ગ-નરક માટેનાં પુણ્ય-પાપ કર્મો પણ પોતપોતાની રીતે અલગ-અલગ અને પરસ્પર વિરોધી છે. જેમ કે જૈનો માને કે લાંબા અને કઠોર ઉપવાસો કરવાથી, બ્રહ્મચર્યનું પાલન કરવાથી મહા પુણ્ય થાય છે.

જ્યારે સ્નાન કરવાથી, ખેતી કરવાથી, કૂવા-તળાવ વગેરે કરવાથી, કંદ-મૂળ ખાવાથી, રાત્રીભોજન કરવાથી તથા બીજાં અનેક પ્રકારનાં કર્મો કરવાથી પાપ લાગે છે. આથી ઊલટું હિન્દુઓ, ગંગાસ્નાન કરવાથી, કૂવા-તળાવ-પરબ વગેરે કરવાથી, ખેતી કરવાથી, કંદમૂળ ફળ ઋષિઓનો આહાર હોવાથી તે ખાવાથી પુણ્ય લાગે છે.

માંસાહાર અને બ્રહ્મચર્ય જેવી બાબતમાં મુસ્લિમો જુદો મત ધરાવે છે. આવી જ રીતે એક પક્ષ તો સ્ત્રી-પુરુષના કુદરત સામાન્ય સંબંધોને પણ એક મહાપાપ માને છે, તો બીજો પક્ષ તેવું નથી માનતો. પાપપુણ્ય સંબંધી માન્યતાઓ એટલી બધી ભિન્નભિન્ન છે કે એકનું પાપ બીજાનું પુણ્ય બની શકે છે. જેમકે જૈનો સ્નાનાદિ કાર્યોને પાપ માને છે તો હિન્દુઓ ગંગાસ્નાનાદિથી પાપક્ષય માનીને મહાપુણ્ય માને છે. જીવહિંસા માત્ર મહાપાપ એવું માનનારો એક વર્ગ છે તો કુરબાનીમાં જીવોની હિંસાને મહાપુણ્યદાયી માનનારો બીજો વર્ગ પણ છે જ. આવી સ્થિતિમાં કર્મની બાબતમાં સર્વમાન્ય સિદ્ધાંત બનાવવો અસંભવ છે.

ધાર્મિક પરિપ્રેક્ષ્ય સિવાય જો કર્મનો વિચાર કરવામાં આવે તો દેશ-કાળ-રાજકીય પરિસ્થિતિ પ્રમાણે કાંઇક વ્યાખ્યા થઇ શકે તેમ છે. ભિન્નભિન્ન દેશોમાં આહારવિહારની ભિન્નભિન્ન સ્થિતિ હોવાથી ભિન્નભિન્ન ધારણાઓ નક્કી થતી રહી છે. આવી જ રીતે ભિન્નભિન્ન કાળમાં પણ પરિસ્થિતિ બદલાતાં ધારણાઓ બદલાઈ જતી રહે છે, અને રાજકીય કાયદાઓ પણ રાજ્યવાર અલગ-અલગ હોવાથી પાપ-પુણ્યની ધારણાઓ અલગ-અલગ બની જતી હોય છે. જેમ કે પશ્ચિમી જગતમાં દારૂ પીવો તે સામાન્ય વસ્તુ છે, જ્યારે ચુસ્ત ઇસ્લામિક રાજ્યોમાં તે મોટો અપરાધ બની જાય છે. સ્ત્રી-પુરુષોના સંબંધોમાં પણ આવી ભિન્નભિન્ન ધારણાઓ છે. આમ, રાષ્ટ્રવાર, ધર્મવાર, સમાજવાર પાપ-પુણ્યની ધારણાઓ ભિન્નભિન્ન બની છે. એટલે કર્મ બાબત નિર્ણય કરતાં પહેલાં આ બધા પરિપ્રેક્ષો ધ્યાનમાં રાખવા જરૂરી છે.

પાપ અને પુણ્ય

એક માન્યતા એવી છે કે ઈશ્વરને ગમે તે પુણ્ય અને ન ગમે તે પાપ કહેવાય. આ ધારણામાં પણ ઈશ્વરને શું ગમે છે અને શું નથી ગમતું તેનો નિર્ણય સૌ પોતપોતાના સંસ્કારો પ્રમાણે કરતા હોય છે. એટલે વાત હતી ત્યાં ને ત્યાં જ આવી જાય છે. એક એવો પણ મત છે કે બીજાંને દુઃખ દેવું તે પાપ અને બીજાંને સુખી કરવા તે પુણ્ય કહી શકાય. આ ધારણામાં શક્તિ છે. પણ તેમાં અપવાદ તો છે જ. ભણવાની ઈચ્છા રાખનાર વિદ્યાર્થીને માતા-પિતા તથા શિક્ષક દંડ કરીને પણ ભણાવે છે તો આવા દંડને પાપ માનવું? ના, આવો દંડ હિતકારી છે. આવી જ રીતે વ્યસની તથા કુમાર્ગીને સીધા-સાચા માર્ગે લાવવા દંડ અપાય છે. તે પણ હિતકારી છે એટલે જરૂરી છે. આમ પ્રત્યેક ધારણામાં નાના-મોટા અપવાદ રહેતા જ હોય છે. તેમ છતાં વર્તમાન અને ભવિષ્યમાં પણ પીડા પમાડનાર પાપી છે અને વર્તમાન તથા ભવિષ્યમાં પણ ભલું ઇચ્છનાર-કરનાર પુણ્યાત્મા છે. આવી કાંઈક વ્યાખ્યા કરી હોય તો તે માનવતાવાદી પાપ-પુણ્યની વ્યાખ્યા કહી શકાય.

બાકી સ્નાનાદિ કરવાથી, ઉપવાસાદિ કરવાથી, પગપાળા યાત્રા કરવાથી કે યજ્ઞ-યાગાદિ કરવાથી પુણ્ય થાય છે તે માનવતાવાદી દ્રષ્ટિકોણ નથી. જેમ જેમ આવાં કર્મો વધવા લાગે છે, તેમ તેમ માનવતા ઓછી થવા લાગે છે. કારણ કે માનવની શક્તિ ગેરમાર્ગે વળી જાય છે.