[આ લેખનું અક્ષરાંકન સ્વામીજીના પુસ્તક ‘વાસ્તવિકતા’ માંથી કરવામાં આવ્યું છે. ]
૧. જગત સત્ય છે. મિથ્યા નથી. તે પરમેશ્વરની કૃતિ હોવાથી તેને મિથ્યા કહેવાય નહિ. મિથ્યા કહેવાથી મિથ્યા થઇ જતું નથી. મિથ્યા કહેવાથી જીવનનો કોઈ પ્રશ્ન ઉકેલાતો નથી.
૨. જગત, સત્ય, શિવ અને સુન્દરમ પણ છે.
૩. જગત માત્ર દુઃખમય નથી પણ સુખમય પણ છે.
૪. એકલું સુખ કે એકલું દુઃખ ક્યાંય હોતું જ નથી. જ્યાં હોય ત્યાં આ બન્ને સાથે જ હોય. માત્ર ઓછાં-વધારે હોય પણ સાથે જ હોય.
૫. જગત અને સંસાર એક જ છે. સંસાર અસાર પણ છે અને સારવાળો પણ છે.
૬. અસાર એ અર્થમાં કે જો તમને બધાં સ્વાર્થી જ માણસો મળ્યાં હોય તો તેમના માટે કરેલું બધું તપ પરિણામશૂન્ય થઇ જાય છે.
૭. સારમય એટલા માટે કે સંસારમાં જ પ્રભુભક્તિ, માનવસેવા, રાષ્ટ્રસેવા, લોકકલ્યાણ, જ્ઞાન-વિજ્ઞાનની પ્રાપ્તિ વગેરે બધું જ આ સંસારમાં થઇ શકે છે. બીજે ક્યાંય નહિ.
૮. અપેક્ષા વિનાનો માણસ લોકહિતમાં જીવન જીવે તો તેના માટે ચારે તરફ સાર જ સાર છે.
૯. અપેક્ષાવાળો અને માત્ર સ્વહિત માટે જ જીવનારા માટે આ સંસાર અસાર થઇ જતો હોય છે. કારણ કે તેનું કોઈ સગું થતું નથી. કારણ કે તે કોઈનો થયો નથી.
૧૦. ઘર છોડી શકાય, પત્ની-પરિવાર છોડી શકાય પણ સંસાર છોડી શકતો નથી. ગૃહત્યાગીઓ અને પત્નીત્યાગીઓને પણ ન ઈચ્છવા છતાં સંસાર રચાઈ જાય છે. આ માનવપ્રકૃતિ છે. તે સંસાર વિના રહી શકતો નથી.
૧૧. ડૂબવાની અને તરવાની બન્ને જગ્યા સંસાર જ છે. જે તરે છે તે ધન્ય છે. જે ડૂબે છે તે ઘૃણાને પાત્ર નહિ પણ દયાને પાત્ર છે. કારણ કે બધા ડૂબી રહ્યા છે.
૧૨. સંસારત્યાગી કરતા કુકર્મત્યાગી વધુ મહાન છે.
૧૩. સંસારત્યાગીને પણ જે કુકર્મ ત્યાગી નથી શકતો તેનો ત્યાગ વ્યર્થ છે.
૧૪. લક્ષ્મીનો ત્યાગ કરીને પણ લક્ષ્મીનો સંગ્રહ કરવો કે લક્ષ્મી માટે ફંડફાળા કરવા તે પાખંડ છે. તે ત્યાગ ભ્રમ છે. જેમાં લોકો છેતરાય છે.
૧૫. જગત મિથ્યા ની સતત રટ લગાવનારા, ભવ્ય આશ્રમો, મઠો બાંધે અને વૈભવ ભોગવે તો પેલી રટ સાથે મેળ ખાતો નથી.
૧૬. સંસારમાં રહેવું એ પાપ નથી. બીજે જાય તો ક્યાં જાય? બધે જ સંસાર છે.
૧૭. સંસારમાં રહીને પ્રભુભજન, જનસેવા, રાષ્ટ્રસેવા વગેરે થઇ શકે છે. તે જરૂર કરવાં.
૧૮. કેટલાંક સંસારને વળગે છે. તો કેટલાકને સંસાર વળગે છે. સંસારથી છૂટવા કરતાં સંસારનો સદુપયોગ કરવો હિતાવહ છે.
૧૯. સંસારમાં સો એ સો ટકા કોઈ સુખી નથી હોતો. કેટલાંક સુખો હોય તો કેટલાંક દુઃખો પણ હોય છે.
૨૦. આધ્યાત્મિક સુખ જેવું કોઈ સુખ હોતું નથી. આધ્યાત્મિકતા તો અવસ્થા છે. જે સુખ-દુઃખમાં જીવનનું બેલેન્સ રાખે છે.
૨૧. ખરાં સુખો તો ભૌતિક સગવડોમાં, સાંસારિક અનુકુળ સંબંધોમાં, આર્થિક, રાજકીય, શારીરિક અને માનસિક અનુકુળતામાં રહ્યાં છે. પ્રભુભજન અને સાચી સમજણમાં પણ અદભૂત સુખ રહે છે.
૨૨. આ બધાંની ઉપેક્ષા ન કરાય, યથાસંભવ પ્રાપ્ત કરાય અને ભોગવાય.
૨૩. અતિભોગવાદ જેવો જ અતિ-અભોગવાદ પણ હાનીકારક છે. જીવન તો મધ્યમાં છે. ન અતિભોગ ન અતિઅભોગ, વચ્ચે યથાયોગ્ય સંયમમાં જીવન છે.
Leave A Comment