[આ લેખનું અક્ષરાંકન સ્વામીજીનાં પુસ્તક ‘ચાણક્યની રાજનીતિ ’ માંથી કરવામાં આવ્યું છે.]

 

इन्द्रियजयस्य मूलं विनय: || ૫ ||

ઇન્દ્રિયવિજયનું મૂળ વિનય છે.

વિનય એટલે નમ્રતા – વિવેકપૂર્ણ નમ્રતા. જો રાજા અહંકારી હશે તો ખુશામતિયા પણ હશે, કારણ કે અહંકાર ને ખુશામત ગમતી હોય છે. ખુશામતિયા કદી સત્યવક્તા નથી હોતા. આવા લોકો રાજાના અહંકારને પોષતા હોય છે. અવિનયથી અહંકારી રાજા ઘણા અનર્થ કરી મૂકતો હોય છે. માટે રાજાને વિનય-વિવેકપૂર્વક મહાપુરુષોનો સંગ કરવો અને ઇન્દ્રિયલોલુપતાથી બચવું.

विनयस्य मूलं वृद्धोपसेवा || ૬ ||

વિનયનું કારણ વૃદ્ધ-પુરુષોની સેવા છે.
ઉપર કહ્યું તેમ વિનય-વિવેકનું મૂળ વૃધ્ધોની સેવા છે. અહીં વૃદ્ધ એટલે જ્ઞાનવૃદ્ધ, અનુભવવૃદ્ધ એવું સમજવું. રાજાએ જ્ઞાનવૃદ્ધ અને અનુભવવૃદ્ધોને સાથે રાખવા અને તેમની સેવાશુશ્રુષા કરવી. સાથે રહેનારા માણસો ઉપરથી વ્યક્તિનું વ્યક્તિત્વ મપાતું હોય છે. જેની સાથે દારૂડિયા. જુગારિયા કે લંપટ માણસો રહેતા હોય છે તે પોતે સારા હોય તોપણ તેમની છાપ ખરાબ પડતી હોય છે. રાજાનું જીવન સાર્વજનિક હોવાથી તેની છાપનું મહત્વ વધારે હોય છે.

वृद्धसेवया विज्ञानम् || ૭ ||

વૃદ્ધોની સેવા કરવાથી વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
જીવનમાં મહત્વની પ્રાપ્તિ જ્ઞાન-વિજ્ઞાનની જ કહી શકાય. જે રાજા, જ્ઞાનવૃદ્ધ અને અનુભવવૃદ્ધ પુરુષોની સેવા કરે છે, અર્થાત ઉપાસના કરે છે તેને સહજ રીતે વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. વસ્તુ કે પરિસ્થિતિને સમજવી તે જ્ઞાન છે. પણ વસ્તુ કે પરિસ્થિતિના મૂળ સુધી પહોંચવું તે વિજ્ઞાન છે. જ્ઞાનની પ્રાપ્તિ પુસ્તકો તથા વ્યવહારથી થતી હોય છે. વિજ્ઞાનની પ્રાપ્તિ પ્રયોગશાળાથી થતી હોય છે. જ્ઞાનવૃદ્ધો ચાલતી-ફરતી પ્રયોગશાળા છે. તેમણે જીવનમાં અનેક વ્યવહારના પ્રયોગો કર્યા હોય છે. આ પ્રયોગોથી તેમને જે નવનીત પ્રાપ્ત થયું હોય છે તે તેમના ખજાનામાં સંગ્રહાયેલું હોય છે. કોઈ ભાગ્યશાળી જિજ્ઞાસુ વ્યક્તિ આ માખણને પ્રાપ્ત કરી શકતી હોય છે. રાજાએ પણ હંમેશા જિજ્ઞાસુવૃત્તિથી આવા જ્ઞાન-વિજ્ઞાનના ખજાના જેવા વૃદ્ધોની ઉપાસના કરીને તેમણે તારવેલું જીવનનવનીત પ્રાપ્ત કરવું, જેથી રાજા પણ જ્ઞાની થઇ જાય.