[આ લેખનું અક્ષરાંકન સ્વામીજીનાં પુસ્તક ‘ ચિંતન-કણિકાઓ’ માંથી કરવામાં આવ્યું છે.]

 

૧. ધર્મ એક જ છે. સંપ્રદાય અનેક છે. ધર્મ પરમાત્માનો બનાવેલો છે. સંપ્રદાય માણસોના બનાવેલા છે. ધર્મ ભેદ નથી કરતો; ભેદ કરે તે સંપ્રદાય છે.

૨. વૈજ્ઞાનિક સત્યોને સ્વીકારી લેવાથી ધર્મને કશી આંચ આવવાની નથી કારણ કે વિજ્ઞાન સત્ય છે, ધર્મ પણ સત્ય છે. તે સત્યોને વિરોધ હોય જ નહિ. બન્ને એકબીજાનાં પૂરક થાય શકે. હા, એવું બને કે વિજ્ઞાનના કારણે સડેલી – ગળી ગયેલી કેટલીક માન્યતાઓ ખોટી ઠરવાની. તે યોગ્ય છે.

૩. ધર્મની પ્રથમ પ્રેરણા કર્તવ્ય થઈ, જેથી વ્યક્તિ કર્તવ્યની સભાનતાવાળી થાય. પણ કર્તવ્યમાત્રથી ધર્મ પૂરો નથી થઇ જતો. કર્તવ્યની સાથે પ્રમાણિકતા અત્યંત જરૂરી છે. આમ આર્થીક ક્ષેત્રે નહિ પણ બધાં ક્ષેત્રે – કૌટુંબિક ક્ષેત્રે પતિ-પત્ની વચ્ચે, શેઠ-મુનીમ વચ્ચે, રાજા-પ્રજા વચ્ચે – બધે જ પ્રમાણિકતા જરૂરી છે, અને પ્રમાણિકતા પછી ત્રીજી પ્રેરણા પરમાર્થની છે. તમારી શક્તિમાંથી થોડી શક્તિ, શક્તિહીન માણસો માટે ખર્ચવાની છે.

૪. ભક્તિમાર્ગની એક ખાસ વિશેષતા છે કે તે જીવનનાં તમામ સાફલ્ય પરમેશ્વરને સોંપે છે તથા પ્રત્યેક નિષ્ફળતાનો ટોપલો બહુ દીનભાવે પોતાને માથે ઓઢી લે છે.

૫. ભક્તિ તો કરવી જ જોઈએ તેની ના નહિ, પણ ભક્તિ, કાયરતા કે નિર્માલ્યતાને વધારનારી યા તેને ઢાંકનારી ન હોવી જોઈએ પણ શૂરવીરતાભરી, અન્યાયીને પડકાર ફેંકનારી મહાશક્તિરૂપ હોવી જોઈએ.

૬. શ્રદ્ધાથી ધર્મ પ્રગટે છે. જયારે અંધશ્રદ્ધાથી ભયની નિવૃત્તિ શક્ય નથી. દુર્ભાગ્યવશ ધાર્મિક ક્ષેત્રમાં શ્રદ્ધા કરતાં અંધશ્રદ્ધાનું પ્રમાણ ઘણું મોટું છે. એટલે સાચા ધર્મની જગ્યાએ વહેમોનું પ્રમાણ પણ મોટું છે.

૭. શ્રદ્ધા જ અધ્યાત્મ રૂપ આપતી હોય છે. શ્રદ્ધાનો પુત્ર ધર્મ છે, કારણ કે ધર્મની પ્રસૂતિ શ્રદ્ધાના ફળમાંથી જ થઈ શકતી હોય છે. કોરી બુદ્ધિથી ધર્મ ન જન્મે, જીવન માટે બુદ્ધિવાદ જેટલો જરૂરી છે, તેટલો જ શ્રધ્ધાવાદ પણ જરૂરી છે. શ્રદ્ધા વિના આંતરિક શક્તિઓ નથી ખીલી શકતી. વ્યક્તિમાં ચારિત્રિક પ્રબળતા શ્રદ્ધાના સંબલથી આવતી હોય છે. શ્રદ્ધા ગુમાવીને વ્યક્તિ બહુ મોટું બળ ગુમાવી દેતી હોય છે. વિદ્યાદાન તો શ્રેષ્ઠ છે જ પણ શ્રદ્ધાદાન તો તેથી પણ શ્રેષ્ઠ છે.

૮. પ્રત્યેક પ્રજાની ઉન્નતિનો મૂળ પાયો સમજણપૂર્વકના પુરુષાર્થમાં રહેલો હોય છે. સાચા પુરુષાર્થમાં પ્રેરણા આપે તે ધર્મ અવશ્ય પ્રજાનું કલ્યાણ કરનારો બનતો હોય છે.

૯. યજ્ઞો, સપ્તાહો, છપ્પન ભોગો અને સમૈયાઓમાં લખલૂટ ખર્ચો કરનારાઓને જાણ થવી જોઈએ કે એક માણસને રોજી આપવી, એક-બે કુટુંબોને આજીવિકાનું સાધન આપવું તે ખરો યજ્ઞ છે, તે ખરી સપ્તાહ છે, તેમાં જ છપ્પન ભોગો અને સમૈયાઓ છે. ધર્મને માનવતા તરફ વાળવામાં આવે એ જ ધર્મની તેજસ્વિતા છે.

૧૦. ધર્મ એટલે વ્યક્તિની અંદર રહેલા સદગુણોને વિકસિત કરી પ્રગટ કરવાની પ્રક્રિયા. અધર્મ એટલે વ્યક્તિની અંદર બેઠેલા દુર્ગુણોને વિકસિત કરીને પ્રગટ કરી આપનારી પ્રક્રિયા. ધર્મ એટલે જીવન-સાધના. અને જીવન-સાધના એટલે જીવનનો વિકાસ. જીવનનો વિકાસ સદગુણોને ખીલવવા થનારી તમામ ક્રિયાઓ – પછી તે શારીરિક હોય કે માનસિક – તેનું નામ ધર્મ.
વ્યક્તિમાત્રની અંદર સદગુણો તથા દુર્ગુણોનાં બીજ હોય જ છે. આ ન્યૂનાધિકતાથી ‘સ્વભાવ’ અથવા ‘પ્રકૃતિ’ ઘડાય છે. સ્વભાવ અથવા પ્રકૃતિથી વ્યક્તિનું વ્યક્તિત્વ નિર્મિત થતું હોય છે. પ્રકૃતિથી પકડાયેલો જીવ કાર્યક્ષેત્રના લગભગ ‘નિર્ધારિત’ માર્ગે જીવન જીવતો હોય છે. ‘લગભગ’ અને ‘નિર્ધારિત’ શબ્દો એટલા માટે વાપર્યા છે કે પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ તે ખાસ કાંઈ કરી શકતો નથી. એટલે ‘નિર્ધારિત’ શબ્દ મૂક્યો છે. પણ પ્રકૃતિની મર્યાદારેખાની ઉપર અથવા નીચે તે થોડું ચઢી શકે છે તથા થોડું ઊતરી પણ શકે છે. થોડું ચઢવું એટલે ધર્મસાધના દ્વારા ઉર્ધ્વીકરણ પ્રાપ્ત કરવું, નીચે ઊતરવું એટલે અધર્મ દ્વારા પતન થવું. આટલા અંશમાં વ્યક્તિનો પુરુષાર્થ પરિણામશાળી થઈ શકે છે એટલે ધર્મને જીવન-સાધના કહી છે.

૧૧. ધર્મનું પ્રાકટ્ય સત્યથી થાય છે. સત્ય, ધર્મ અને ન્યાય લગભગ એકબીજાના પર્યાય કહેવાય. સત્ય એ જ ધર્મ, ધર્મ એ જ સત્ય. સત્ય તથા ધર્મનો અવિરોધ એનું નામ તો ન્યાય કહેવાય. આ ત્રણ તત્વોમાં ન્યાય એ ફલિતાર્થ છે, ધર્મ પરિસ્થિતિ છે. આજે સત્ય એ પરિસ્થિતિનું જનક છે. સત્ય ન હોય તો ધર્મપરિસ્થિતિનું નિર્માણ ન થઈ શકે. ધર્મસ્થિતિનું નિર્માણ ન થઈ શક્યું હોય તો ન્યાયનું ફળ મેળવી ન શકાય. ન્યાયી ફળ વિના પ્રજા સુખી ન થઈ શકે. ઊલટાવીને એમ કહી શકાય કે અન્યાય (પછી તે આર્થિક, રાજકીય, ધાર્મિક કે સામાજિક કોઈ પણ પ્રકારનો હોય)એ જ પ્રજામાં દુઃખોનું મૂળ કારણ છે. અન્યાયનું મૂળ અધર્મમાં તથા અધર્મનું મૂળ અસત્યમાં છે. એવી રીતે તમામ અનિષ્ટોનાં મૂળ અસત્યમાંથી ફૂટી નીકળે છે)

૧૨. સ્વમાન, સુરક્ષા, સમૃદ્ધિ અને સંસ્કારથી ભરપૂર જીવન ધર્મ દ્વારા પ્રજાને મળવું જોઈએ. જો ધર્મ આ કાર્ય નહીં કરી શકે તો તે તેની નિષ્ફળતા જ કહેવાશે.

૧૩. પરમેશ્વરે સૌથી ઉત્તમ લાગણી દયાની બનાવી છે. જે દયાળુ નથી તે ઈશ્વર નથી. જે દયાળુ નથી તે સંત નથી, જે દયાળુ નથી તે માનવ નથી. દયાળુ સ્વભાવ મળવો એ મોટામાં મોટી બક્ષીશ છે. દયાની પોષક ઉદારતા છે. અને ઉદારતાની પ્રેરક ઘણી વાર દયા થઈ જતી હોય છે.. વ્યક્તિમાં પડેલી દયાને જાગ્રત કરી તેની અભિવૃદ્ધિ કરી તેના દ્વારા દુઃખી માનવસમાજને લાભાન્વિત કરવો એ કામ ધર્મનું છે…દયા જ ધર્મનું મૂળ છે.

૧૪. ધર્મનું તેજ સદગુણોમાંથી પ્રગટતું હોય છે. આવા સદગુણો માનવમાત્રમાં પરમેશ્વરે વત્તા-ઓછા અંશે મૂકેલા છે. આ સદગુણોનો વિકાસ કરવાની પ્રક્રિયા તે ધર્મ છે. તેણે આપણે સનાતન ધર્મ પણ કહીએ છીએ. સનાતન એટલા માટે કે તે અનાદી કાળથી છે તથા અનંત કાળ સુધી (માનવઅસ્તિત્વ હશે ત્યાં સુધી) રહેવાનો છે. તે કોઈ વ્યક્તિ દ્વારા પ્રસ્થાપિત કે નિર્મિત નથી એટલે આ સનાતન ધર્મનો કોઈ માણસ પ્રવર્તક નથી. પ્રવર્તકો સંપ્રદાયો પ્રવર્તાવે છે અને સંપ્રદાયો કદી સનાતન નથી હોતા.

૧૫. વ્યક્તિ માત્રને કુદરતી આવેગો અને લાગણીઓના પ્રવાહો આવતા જ હોય છે. આવેગોને નિતાંત અટકાવવાની પ્રક્રિયા કુદરતવિરોધી છે. આવું કરનારા નથી તો શારીરિક સ્વાસ્થ્ય પામી શકતા કે નથી માનસિક શાંતિ પામી શકતા. તેમની સ્થિતિ ઉપર બુદ્ધ અને અંદર યુદ્ધ જેવી થાય છે. અત્યંત કઠોર નિયમો પાળ્યા પછી પણ જયારે આવેગો અટકતા નથી, ઉલટાના વધુ છંછેડાય છે અને પછી વધુ વિનાશ કરે છે.

૧૬. સંપ્રદાયો થી મુક્ત થઇને સાચી ધાર્મિકતા અપનાવવી અને પૂરી માનવજાત પ્રત્યે આત્મીયતા કેળવવી એથી બીજી વધુ મોટી જીવનની ધન્યતા હોઈ શકે નહિ.

૧૭. કુદરતથી મોટું કોઈ શાસ્ત્ર નથી અને તેનાથી વધુ કોઈ કલ્યાણકારી માર્ગ નથી. સનાતન ધર્મનો અર્થ થાય છે કુદરતે સ્વયં પોતે જ ધર્મની વ્યવસ્થા કરી છે. આ ધર્મ ઉપર પશુ-પક્ષીઓ કિત-પતંગો વગેરે બધાં જ ચાલે છે. અને સુખી થાય છે, કુદરત ગાંડી નથી. જેમ ભુખ-તરસ વગેરેના આવેગો તેણે બનાવ્યા છે અને તેની ઉચિત માત્રામાં પ્રાપ્તિથી શાંતિ-તૃપ્તિ થાય છે, તેમ વાસનાનો આવેગ પણ તેણે જ લોકકલ્યાણ માટે બનાવ્યો છે. તેની પણ ઉચિત સમયે ઉચિત માત્રામાં પ્રાપ્તિ થાય તો વ્યક્તિ શાંતિ તથા તૃપ્તિનો અનુભવ કરી શકે છે. સનાતન ધર્મ, કુદરતી ધર્મ.

૧૮. ધર્મ, ધર્મસ્થાન અને ધર્મગુરુ ત્યારે જ સફળ થયાં ગણાય કે જયારે ધાર્મિક, સામાજિક, રાજકીય અન્યાયથી પીડાતી પ્રજાનું તેમના દ્વારા રક્ષણ થાય.

૧૯. ધર્મ અને અધ્યાત્મને પણ વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્ય મળવો જોઈએ. ધર્મનું તથા અધ્યાત્મનું પણ વિજ્ઞાન છે. જેનાથી તે હંમેશા ચેતનાવાળા રહ્યા કરે. વિજ્ઞાન વિનાનો ધર્મ અને વિજ્ઞાન વિનાનું અધ્યાત્મ લાંબા ગાળે પ્રજાજીવનમાં જડતા, સ્થગિતતા અને અસ્પષ્ટતાનું નિર્માણ કરતાં હોય છે.

૨૦. અધ્યાત્મવાદનો સૌથી મોટો શત્રુ ચમત્કારવાદ અને વ્યક્તિપૂજા છે. વ્યક્તિપૂજા અને ચમત્કારવાદ બન્ને એકબીજાનાં પૂરક છે. વ્યક્તિત્વ વિના વ્યક્તિને બહુ ઝડપથી મહાપુરુષોની ઉચ્ચ શ્રેણીમાં બેસાડવો હોય તો તેની સાથે ચમત્કાર જોડી દેવાના.