[ આ લેખનું અક્ષરાંકન સ્વામીજીના પુસ્તક ‘વાસ્તવિકતા’ માંથી કરવામાં આવ્યું છે.]

 

૧. ચારિત્ર્યનાં મુખ્ય બે ક્ષેત્રો છે: ૧. સેક્સ અને ૨. પૈસો. આ બે ક્ષેત્રોમાં મોરલ હોય તેને ચારિત્ર્ય કહેવાય છે.

૨. આ બેમાં પૂર્વમાં સેક્સ મોરલ ને વધુ મહત્વ અપાય છે. જો સેક્સની બાબતમાં કોઈ વ્યક્તિનું જરા જેટલું સ્ખલન દેખાય તો તે કરોડમાંથી કોડીનો થઇ જઈ શકે છે.

૩. પૂર્વમાં મની મોરલ બહુ મહત્વનું નથી, લાંચ-રુશવત લેનારા કે બેંકો ખાઈ જનારા, કાળાબજાર કરનારા કે કાળું વ્યાજ લેનારા ઈજ્જત-આબરુ સાથે જીવન જીવી શકે છે.

૪. પશ્ચિમમાં સેક્સને વ્યક્તિગત જીવનનો ભાગ ગણાય છે. તેમાં કોઈ ચંચુપાત ન કરે. કુંવારી છોકરીઓ, અપરણિત સ્ત્રીઓ કે પુરુષો, રાજીખુશીથી ગમે તેવો વ્યવહાર કરે તો પણ તેમના તરફ કોઈ ધ્યાન આપતું નથી. તે સાથે રહી શકે. સાથે ફરી શકે. ખુલ્લેઆમ હાથમાં હાથ ભેળવીને ચાલી શકે. કોઈને કશી પડી નથી હોતી. આ તેમનું અંગત જીવન છે. અંગત જીવન પોતાની ઈચ્છા પ્રમાણે જીવવાનો સૌને અધિકાર છે તેવું તેઓ માને છે. હા, કોઈ બહુ મોટા માણસનું આવું હોય તો તેમાં મીડિયાવાળા રસ લે, મોટા ભાગે રાજકારણના કારણે.

૫. પશ્ચિમના લોકો મની મોરલ ને સર્વાધિક મહત્વ આપે છે. આ તેનું અંગત જીવન નથી. આવા જીવનનો પ્રભાવ રાષ્ટ્ર અને પ્રજા ઉપર પડે છે. તેથી મની મોરલ સર્વાધિક મનાય છે.

૬. મની મોરલ પણ ચરિત્રનો મહત્વનો ભાગ છે. તેવું હજી આપણે ત્યાં પૂરેપૂરું સ્થાપિત થયું નથી. માત્ર સેક્સ મોરલને જ ચારિત્ર્ય માનવામાં આવે છે.

૭. સેક્સ મોરલને જ સર્વોચ્ચ સ્થાન મળ્યું હોવાથી હજારો સ્ત્રી-પુરુષો ઘણા અનર્થોથી બચી ગયાં છે. બચી શકે છે. પણ તેના કારણે લોકો ડબલ જીવન પણ જીવતાં થયાં છે. એક, જે જાહેરમાં છે. અને બીજું, જેને જાહેર કરી શકાય તેવું નથી તે છે. આ કારણે પશ્ચિમ જેટલું ખુલ્લું જીવન જીવી શકે છે તેટલું પૂર્વવાળા નથી જીવી શકતા. દંભ-આડંબર-પાખંડનું મૂળ કારણ આ છે.

૮. જે લોકો એકાકી છે, અર્થાત એકલી સ્ત્રી કે એકલો પુરુષ છે તે સેક્સ મોરલ (ચારિત્ર) ભાગ્યે જ સાચવી શકે છે છે. કુદરતી આવેગો આગળ સૌ કોઈ રાંક થઇ જાય છે. અને પછી ઈચ્છા ના હોવા છતાં પણ સામાન્ય માર્ગે ચાલી પડે છે. આ તેમની મજબૂરી છે. અમાન્ય માર્ગનું સેવન એ ક્ષમાપાત્ર ગણાવું જોઈએ. અથવા દયાપાત્ર ગણાવું જોઈએ.

૯. બીજા જે એકાકી નથી, પરણેલા છે. પણ એકબીજાના અસંતોષથી અથવા નવી-નવી વાનગીઓ ચાખવાના શોખથી જે અમાર્ગનું સેવન કરે છે તે મજબૂર નથી. તે ક્ષમાપાત્ર કે દયાપાત્ર નથી. તે અપરાધી છે. તે સમાજવ્યવસ્થાને તોડનારા છે, તેમને દંડ દેવો જોઈએ.

૧૦. જે લોકો કોઈ આદર્શ અંચળા નીચે ફસાઈ ગયાં છે, અર્થાત જેમને બાળદીક્ષા કે યુવાદીક્ષા આપીને મોક્ષની લાલચ આપી છે તેવાં લોકો કુદરતી આંધી આગળ ટકી ન શકે તો તેમાં તેમનો દોષ નથી. ધર્મવ્યવસ્થાનો (થિયરીનો) દોષ છે. તેમણે સહજ કુદરતી માર્ગે ન ચાલવા દઈને અકુદરતી માર્ગે ચઢાવનારા દોષી છે. સમાજદોષી છે. દંડ દેવો હોય તો દીક્ષાદાતાને અને સમાજને દંડ દેવાય. પણ તેવું થતું નથી. પેલો બાળક જ દંડનો ભાગી બની જાય છે. મારી દ્રષ્ટિએ બાળદીક્ષા અને બાળહત્યામાં કશો ફરક નથી. બાળહત્યામાં બાળક થોડી જ મિનિટોમાં મારી જાય છે. જયારે બાળદીક્ષા કે યુવાદીક્ષાર્થી તો જીવનભર બેઆબરૂ થઈને ગૂંગળાઈ ગૂંગળાઈને જીવે છે અને મરે છે. આવા લોકો નિખાલસ જીવન જીવી શકે જ નહિ. ઢોંગ-પાખંડ-દંભ આવી જ જાય. કારણ કે જીવન થિયરી જ એવી છે. હજારમાં એકાદ માણસ કુદરતી આંધીને સહન કરનારો પણ હોઈ શકે છે. પણ એકને આદર્શ માનીને ૯૯૯ને ફાંસીએ ચઢાવવા યોગ્ય ન કહેવાય.

૧૧. જે લોકો એકાકી રહીને લાંબુ જીવન જીવતાં હોય છે તે કુદરતી માર્ગ ના અભાવે અકુદરતી માર્ગ તરફ વળી જતા હોય છે. આ તેમની લાચારી જ કહેવાય. જેમાં હસ્તક્રિયા, સજાતીય સંબંધ, પશુસંબંધ જેવા અનેક માર્ગે એકાકી લોકો વળી જાય તો નવાઈ નહિ.

૧૨. આ બધું સ્વીકારીને પણ કોઈ સતત એકાકી જીવન જીવે તો તેના અનમોરલને સ્વીકારી લેવું જોઈએ.

૧૩. બને તો બધાને કુદરતસહજ માર્ગે ચલાવવા જોઈએ. તેવી થિયરી આપવી જોઈએ. મોક્ષને બ્રહ્મચર્ય સાથે જોડવું ન જોઈએ. શુદ્ધ સાંસારિક માણસ પણ મોક્ષનો અધિકારી થઇ શકે છે તેવી થિયરી સ્થાપિત કરવી હિતાવહ છે. તો લોકો ઘણા અનર્થોમાંથી બચી શકે છે.