[ સ્વામીજી ની નવા પુસ્તક વાસ્તવિકતા માંથી આ પ્રકરણ લેવામાં આવ્યું છે.]
૧. કામ ઈશ્વરીય રચના છે. હેતુપૂર્ણ છે. તેના દ્વારા સંસાર આગળ વધે છે. તેનો નાશ ન થઇ શકે. નાશ કરવા મથનારા હારી ગયા છે. કામ કદી હારતો નથી. તે હંમેશા વિજયી જ થતો હોય છે.
૨. કામ મહાન ઉર્જા છે. તેને બુઝાવવાનો પ્રયત્ન કરનારા પોતે જ દાઝી જતા હોય છે. જો યોગ્ય સંયમ કરી શકાય તો આ ઊર્જાથી સકારાત્મક નીર્માણ થઇ શકે છે.
૩. ચાર પુરુષાર્થો(ધર્મ-અર્થ-કામ અને મોક્ષ) માં કામ પણ એક પુરુષાર્થ છે. તે સ્વીકાર્ય છે. ત્યાજ્ય નથી. તે જીવનનો પૂરક છે. બાધક નથી.
૪. અતીભોગી અને અતીનીગ્રહી બંને ખોટા છે. કારણ કે બંનેમાં બળક્ષય છે. યથાયોગ્ય સંયમી જ સાચો છે. તેમાં જીવન છે. ઉર્જા હોમીને ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. આ યજ્ઞ છે.
૫. જીવનનાં ત્રણ રૂપ છે. ૧. જીવન ત્યાગવા જેવું છે. ૨. જીવન માણવા જેવું છે. ૩. જીવન જાણવા જેવું છે.
૬. જીવન ત્યાગનારા જીવનરસ પામતા નથી. જીવન રસભર્યું છે.
૭. જીવનને માણનારા જીવનરસ તો પામે છે, પણ જો માત્ર જીવન માણવામાં જ ખર્ચાઈ જાય તો હરિરસથી વંચિત રહી જાય છે. તે માત્ર ભોગી જ થઇ જાય છે.
૮. જીવનને જાણનારા જિજ્ઞાસુ અને જ્ઞાની બને છે. જીવનરસ અને હરિરસને વિરોધ નથી. બન્ને એકબીજાના પૂરક છે. જીવન માણો પણ ખરા અને જીવનને જાણો પણ ખરા.
૯. જીવન ફૂલની સેજ પણ છે અને જીવન તલવારની ધાર પણ છે. કોને કેવું મળ્યું એ નસીબ છે.
૧૦. સંયમ વિનાનો કામ બાળે છે. કારણકે ઉર્જા અગ્નિ છે. પણ સંયમપૂર્વકનો કામ જીવનને ઉજાળે છે. નિર્માણ કરે છે.
૧૧. કામનો મોહ ન હોય પણ સાથેસાથે તેની એલર્જી પણ ન હોય.
૧૨. કામએલર્જીમાંથી પત્નીત્યાગનો કુદરતવિરોધી અને ન્યાયવિરોધી આદર્શ નીકળ્યો લાગે છે. જે યોગ્ય ન કહેવાય.
૧૩. જો કાલએલર્જીથી પતિત્યાગનો આદર્શ પણ નીકળ્યો હોત તો શું થાત? હજારો ઘર ઉજ્જડ થઇ જાત. હજારો પુરુષો રઝળતા થઇ જાત.
૧૪. કામસંયમ પામવા માટે વ્યક્તિએ સુપાત્ર સાથે લગ્ન જરૂર કરવા.
૧૫. લગ્નજીવનથી ચારિત્ર્ય મળે છે. એકાકીનું ચારિત્ર્ય દુર્લભ હોય છે.
૧૬. પતિ-પત્નીનો કામ પાપ નથી. ત્યાજ્ય નથી, જીવનરોધક નથી, તે જીવનસાધક છે. ધર્મપૂર્વક તેનું સેવન જીવનપ્રદાતા છે.
૧૭. આવા કુદરતસહજ, ધર્મસહજ કામનો તિરસ્કાર કરનાર લાંબા સમયે અંતે અકુદરતી માર્ગે કામસેવન કરતા થઇ જતા હોય છે. જે જીવનવિનાશક છે.
૧૮. અકુદરતી કામનું સમર્થન કરવું નહીં, તેમાં ઉર્જાહાનિ છે.
૧૯. કામ મહાઉર્જા છે. તેની મર્યાદા જરૂરી છે. મર્યાદા વિના ઉર્જા સાચવી શકાય નહી.
૨૦. પૌરુષવાન પુરુષોથી રાષ્ટ્ર મહાન બનતું હોય છે. પૌરુષને હાનિ પહોંચાડનારા વ્રતો છોડી દેવા જોઈએ.
૨૧. પૌરુષહીન પુરૂષ અને મડદા માં કશો ફરક નથી, પૌરુષથી જ પુરૂષ બનતો હોય છે. આપણને પુરુષોની જરૂર છે. મડદાંની નહિ. મડદાંથી ભરપુર રાષ્ટ્ર નમાલું થઇ જાય છે.
૨૨. કામ ઉર્જાનો દેવ છે. એટલે આપણે શિવપૂજા કરીએ છીએ. ઓમ નમઃશિવાય.
Leave A Comment