[ આ લેખ સ્વામીજી ના પુસ્તક ‘પ્રવચનમંગલ’ માંથી લેવામાં આવ્યો છે.
બે બોલ:
પ્રવચનો મૂળમાં શ્રીમદ્દભગવદ્દગીતાના બારમાં અધ્યાયના પ્રથમ શ્લોક ઉપર જ કેન્દ્રિત કરવામાં આવ્યાં છે, પણ તેનો વ્યાપ સમાજ, રાષ્ટ્ર તથા જીવનના એકેએક ખૂણા સુધી ફેલાયેલો છે તેની પ્રતીતિ વાચકવર્ગને થશે એટલે તે સંબંધી મારે કશું કહેવાનું નથી –સ્વામી સચ્ચિદાનંદ ]
ઈશ્વરનું સ્વરૂપ
અર્જુનનો પ્રશ્ન એ છે કે વ્યક્ત-અવ્યક્ત, મૂર્ત-અમૂર્ત આ બે પ્રકારની મુખ્ય ઉપાસનાઓ છે તેમાંથી કોનો ઉપાસક વધુ યોગ્ય ગણાય?
જ્યારથી ઉપાસનાનું અસ્તિત્વ છે ત્યારથી ઉપાસકોમાં એક વધુ મોટો મતભેદ છે. ઈશ્વરનું સ્વરૂપ કેવું છે? સાકાર કે નિરાકાર? વ્યક્ત કે અવ્યક્ત? મૂર્ત કે અમૂર્ત? આજ સુધી આ મતભેદ ચાલ્યો જ આવે છે અને ચાલુ જ રહેવાનો, કેમ કે સમાધાન બે પ્રકારનાં હોય છે. ૧. બૌદ્ધિક તથા ૨. ભાવનાત્મક. બૌદ્ધિક સમાધાન લગભગ બધાં માટે સરખા હોઈ શકે. જોકે બૌદ્ધિક સમાધાનમાં પણ પૂર્વગ્રહો તથા તેના કારણે જન્મેલી રુચિ-કુરુચિ મુખ્ય ભાગ ભજવતી હોય છે. એટલે બૌદ્ધિક કક્ષાનું સમાધાન પણ સર્વમાન્ય ભાગ્યે જ બનતું હોય છે. છતાં બૌદ્ધિક કક્ષામાં ઘણા મોટા ભાગને એક સમાધાનમાં લાવી શકાય. પણ ભાવનાત્મક સમાધાન યુક્તિ-પ્રયુક્તિની પ્રબળતાથી ન થઇ શકવાના કારણે વ્યક્તિસાપેક્ષ, સંદર્ભ-સાપેક્ષ હોય છે. બુદ્ધિથી માંસભક્ષણને કરોડો વ્યક્તિઓ સ્વીકાર્ય સિદ્ધ કરી શકે છે. માનો કે તમે પોતે તે બાબતના તર્કોનો સ્વીકાર કરોમ છતાં તમને આ વસ્તુ પ્રત્યે જન્મજાત અણગમો હોય, તે બૌદ્ધિક સમાધાન હોવા છતાં પણ ભાવનાત્મક સમાધાન ન હોવાથી તમે તેનો સ્વીકાર નહિ કરી શકો. જીવનમાં તમામે તમામ(વિજ્ઞાન સિવાય) ક્ષેત્રોમાં બુદ્ધિ તથા ભાવનાનું વર્ચસ્વ રહેતું જ હોય છે. તેમાં પણ બૌદ્ધિક સમાધાન કરતાં ભાવનાત્મક સમાધાન ઘણું કઠીન છે. એક વ્યક્તિને બીજી વ્યક્તિ જરાયે ગમતી નથી, કેમ? આ અણગમો જો માત્ર બૌદ્ધિક કારણસર હોય તો તરત જ દૂર કરી શકાય, પણ જો ભાવનાત્મક હોય તો તે પોતે પણ ઈચ્છવા છતાં તે અણગમાને દૂર નહિ કરી શકે.
ઉપાસનાનું ક્ષેત્ર બૌદ્ધિક ક્ષેત્ર નથી. જો કોઈ બુદ્ધિના બળે ભગવાનને ભજવા-પામવા માગે તો તે હાસ્યાસ્પદ છે. ઘણી વાર આ ક્ષેત્રમાં વધારે પડતી બુદ્ધિની દખલ સાધકને ભટકાવી મારનારી બની શકે છે. બુદ્ધિ સ્થિરતાનું કારણ બને, જયારે ભાવના વિનાની બુદ્ધિ ચંચળતાનું કારણ બને.
ઉપાસનામાં ભવનાનું પ્રાધાન્ય રહે છે. બુદ્ધિ નું નહિ. ભક્તિમાર્ગ, હૃદયનો માર્ગ છે, મસ્તિષ્કનો નહિ. એટલે આ ક્ષેત્રનું સમાધાન હૃદયનું સમાધાન હોવું જરૂરી છે. મસ્તિષ્કની ઘણી ખેંચતાણને બહુ સ્થાન નથી. એટલે આ આખા પ્રશ્નને સમજવા માટે માત્ર બુદ્ધિ નહિ, પણ હૃદયની મુખ્ય જરૂર છે.
એક નવયુવાન પરણીને ઘેર આવ્યો છે. હજી થોડા જ દિવસો તેના દામ્પત્ય જીવનને થયા છે. એક દિવસ જમવા બેઠો છે. દાળના પહેલા સબડકે જ તેણે મોઢું બગાડીને પોતાની માતાને પૂછ્યું, “દાળમાં આજે આટલું બધું મીઠું કેમ નાખ્યું છે? “ માતાએ શાંતિથી જવાબ આપ્યો કે “દાળ મેં નથી બનાવી” ઘરમાં માતા તથા પત્ની સિવાય બીજું કોઈ નથી એટલે માતાના જવાબમાં ગર્ભિતાર્થ એ હતો કે દાળ તારી પત્નીએ બનાવી છે. પેલો યુવાન સમજી ગયો કે દાળ પોતાની પ્રિયતમાએ બનાવી છે. આ ભાન થતાં જ તેનો બગડેલો ચહેરો સુંદર થઈ ગયો. બીજો સબડકો લીધો અને કહ્યું, “ ના, ના કાંઈ ખાસ વધારે મીઠું નથી હોં…” વળી બીજો સબડકો લીધો અને કહ્યું: “ દાળ બહુ સ્વાદિષ્ટ થઇ છે હોં…” વાતવાતમાં ત્રણ વાડકી દાળ પી ગયો. જોયું, જીવનનું બૌદ્ધિક નહિ, ભાવનાત્મક સમાધાન હતું. દાળ જો માતાએ બનાવી હોત તો દાળ ચાખવાનુંપણ તેને ન ગમત.
ઉપાસના પણ મુખ્યતઃ ભાવનાત્મક માર્ગ છે. તેના પ્રશ્નો ભાવનાત્મક છે; સમાધાન પણ ભાવનાત્મક છે. ભાવનાહીન વ્યક્તિ આ ક્ષેત્ર માટે અક્ષમ છે. બુદ્ધિ, કોરી બુદ્ધિના દાવેદારો, પોતાના જ તર્કના ઐશ્વર્યમાં લૂંટાઈને ભિખારી થવાના. જયારે ભાવનાશીલ ભક્તો, અલ્પ બુદ્ધિથી પણ મહાસમુદ્ર (સંસારસાગર) તરી જવાના. આનો અર્થ કોઈ એમ ન સમજે કે ગીતા બુદ્ધિની વિરોધી છે. ગીતામાં બુદ્ધિની પૂરેપૂરી મહત્તા છે, છતાં ભક્તિમાર્ગમાં પ્રધાનતા ભાવનાની છે, બુદ્ધિની નહિ, તે બતાવવા આ બધું કહ્યું છે. બુદ્ધિનો ઉપયોગ માત્ર અંધશ્રદ્ધા નિવારવા પુરતો છે; બુદ્ધિ વિના કોઈ વાર ઝટ દઈને તો કોઈ વાર ધીરે ધીરે સાધક અંધશ્રદ્ધા તરફ ધકેલાતો જાય છે. તેન ના થાય તે જોવાનું કામ બુદ્ધિનું છે.
આટલી ભૂમિકા પછી મૂળ પ્રશ્ન ઉપર ફરી આવીએ. વ્યક્ત યા અવ્યક્તના ઉપાસક, સાકાર યા નિરાકારના ઉપાસક, સગુણ યા નિર્ગુણના ઉપાસકોમાંથી કોણ શ્રેષ્ઠ છે? ત્રણે વિકલ્પો, એકબીજાના પર્યાય ન હોવા છતાં, તેમાં એકબીજાથી જુદા જુદા અર્થો હોવા છતાં લોકવ્યવહારમાં મોટા ભાગે પર્યાયરૂપે વપરાય છે, એટલે પર્યાયરૂપે વૈકલ્પિક પ્રયોગ કર્યો છે. ખરેખર તો જે વ્યક્ત હોય તે સાકાર જ હોય, જે સાકાર હોય તે સગુણ જ હોય. તેવી જ રીતે જે અવ્યક્ત હોય તે નિરાકાર જ હોય અને જે નિરાકાર હોય તે નિર્ગુણ જ હોય તેવો વિલોમ નિયમ બનાવી શકાય નહિ. ઘણી વસ્તુઓ અવ્યક્ત હોવા છતાં પણ નિરાકાર નથી હોતી, સાધનવિશેષથી તેમની સાક્ષરતા અનુભવી શકાય છે, તેમ ઘણી વસ્તુઓ નિરાકાર હોવા છતાં નિર્ગુણ નથી હોતી, સગુણ હોય છે. દા.ત. આકાશ, મન, બુદ્ધિ વગેરે. એટલે આ ત્રણે વિકલ્પો એકબીજાના વિશુદ્ધ પર્યાય નથી. પણ લોકથી પર્યાય છે. સગુણ-નિર્ગુણ શબ્દના પણ અનેકાર્થ છે. સત્વરજસ્તમ: એમ ત્રણ પ્રાકૃતિક ગુણોને ગુણ અને તેનાથી રહિત તે નિર્ગુણ એવો અર્થ પણ છે. તથા દયા, કરુણા, શૌર્ય વગેરે પણ ગુણાર્થ છે; એટલે પરમાત્માને સગુણ કહેવા પાછળ દયા, શૌર્ય, વૈરાગ્ય વગેરે અનંત ગુણોને લક્ષ્યમાં રાખીને સગુણ કહેવાય છે. તે જ સગુણ પ્રભુને નિર્ગુણ કહેવામાં કારણ એ છે કે તેમાં પ્રાકૃતિક સત્વાદિ ગુણો નથી. પરમાત્મા માયાતીત હોવાથી ગુણાતીત છે. આમ પરસ્પર વિરોધી (સગુણ-નિર્ગુણ) બન્ને તત્વો પરમાત્મામાં ઘટિત થાય છે. પણ ગુણ શબ્દનો અર્થભેદ કરીને, તેવી જ રીતે વસ્તુતસ્તુ પરમાત્મા નિરાકાર હોવા છતાં તેના અનંત ગુણોમાંથી કોઈ એક ગુણના પ્રાકટ્યથી તેનું સાકાર રૂપ અનુભવાય છે. પરમાત્માની સાક્ષરતા એ ભૌતિક સાક્ષરતા નથી, જેમ પાર્થીવાદિ તત્વો, પણ પ્રભુની સાક્ષરતા એ ગુણોના કારણે છે.
ગુણો સામાન્ય રીતે અવ્યક્ત દશામાં રહેતા હોય છે. કોઈ કોઈ વાર તે વ્યક્તભાવને પામે છે. જેમ કે એક વ્યક્તિમાં દયા છે. પણ કાયમના માટે તે પ્રગટ નથી હોતી. સુષુપ્ત (અવ્યક્ત) હોય છે. જયારે કોઈ સંદર્ભ મળે છે ત્યારે તે વ્યક્ત થાય છે. પ્રસંગના અનુયાતમાં કોઈ વાર ઓછી; કોઈ વાર મધ્યમાં તો કોઈ વાર અતિશય દયા પ્રગટે છે. પ્રગટેલી દયા કાયમ માટે ટકતી નથી. અમુક સમય સુધી રહીને ફરી પાછી તે અવ્યક્ત ભાવને પામે છે. અવ્યક્ત ભાવનો અર્થ નષ્ટ થવું નહીં, તેમ વ્યક્ત ભાવનો અર્થ પેદા થવું તેવો નહિ, પણ તિરોહિત થવું – પ્રગટ થવું તેવો કરવાનો છે. જીવાત્મામાં પણ આવા અસંખ્ય ગુણો છે. જો આ ગુણો પરમાત્મામાં ન હોય તો તે અંશ ન કહેવાય. એટલે જો જીવ દયાળુ હોઈ શક્યો હોય તો પરમાત્મા તો દયાનો સાગર જ હોય. જીવ ઉદાર-શૂર-જ્ઞાની-વીતરાગી થઇ શક્યો હોય તો પરમાત્મા આવા અનંત ગુણોનો અમાપ સમુદ્ર જ હોય.
કેટલાક લોકો બધી જ રીતે પરમાત્માને નિર્ગુણ માને છે, અર્થાત તેમાં દયા-ઉદારતા વગેરે ગુણો પણ નથી તેવું માને છે, તે શુષ્ક બુધ્ધિના છેડાની અર્થહીનતાના શિકાર થયા છે. જો પરમાત્મામાં લોકોત્તર ગુણો ના જ હોય તો તેવા પરમાત્મામાં અને પાષણશિલામાં શો ફરક? પાષણશિલા તો ધોવા-ચણવા વગેરે અનેક કામોમાં આવી શકે પણ આ સર્વતોભાવેન માત્ર નિર્ગુણ પરમાત્મા કશા જ અર્થ વિનાનો થઇ રહે. એટલે પરમાત્મા અનંત ગુણોથી ગુણવાન છે, તેના તે તે ગુણોના અવિર્ભાવને આપને વ્યક્તભાવ કહીએ છીએ. દા.ત. પરમાત્મા અનંત પ્રેમથી ભરપુર છે. તે પોતે પ્રેમમય છે. તેની પ્રેમમયતાનું મૂર્ત રૂપ તે કૃષ્ણ છે. આવી રીતે જ્ઞાન-વૈરાગ્યનું સંયુક્ત વ્યક્તરૂપ તે શિવ છે. પ્રસંગે પ્રસંગે આપણી દેવપ્રતિમાઓમાં મૂકેલ એક એક વસ્તુનું તાત્વિક સ્વરૂપ બતાવવા પ્રયત્ન થશે. અત્યારે તો આટલું જ સમજવું પર્યાપ્ત છે, કે સ્વરૂપથી અવ્યક્ત પણ ગુણોદ્રેકથી વ્યક્ત થતાં પરમાત્માનાં બે સ્વરૂપો છે. આ બંનેના ઉપાસકોમાં કોણ શ્રેષ્ઠ છે?
ત્યારે સાકાર-નિરાકારનું શું? ઘણા લોકો પ્રભુને માત્ર સાકાર જ માને છે. તે કદી નિરાકાર હોય જ નહિ; તો ઘણા લોકો તેને માત્ર નિરાકાર જ માને છે, તે કદી સાકાર હોય જ નહિ. નિરાકાર શબ્દને એક રીતે ગાળથી પણ ખરાબ માનનારાસંપ્રદાયો છે. સગુણ-નિર્ગુણ, વ્યક્ત-અવ્યક્તની સાથે સાથે સાકાર-નિરાકારનો પણ થોડો વિચાર કરીએ.
નિરાકાર પક્ષમાં પણ બે ભેદ છે: ૧. નિરાકાર-સર્વવ્યાપી, ૨. નિરાકાર-એકદેશીય. પ્રથમ પક્ષ શાસ્ત્રીય છે. બ્રહ્મસુત્ર, ઉપનિષદ વગેરે તાત્વિક ગ્રંથોમાં પરમાત્માને નિરાકાર જ માન્યો છે, પણ તે સર્વવ્યાપી છે તેવાં સેંકડો વાક્યો છે. તે સુક્ષ્માતીસુક્ષ્મ-સર્વગત છે. તેનાથી વધુ કશું જ સુક્ષ્મ નથી. તેના એક અંશમાત્રમાં અનંત બ્રહ્માંડો રમી રહ્યાં છે. તે અનંત છે, અપાર છે, અમાપ છે. તે એક છે. માત્ર એક જ છે. પરમાત્મા બે હોય જ નહિ. જીવાત્મા ઘણા હોય, પણ પ્રભુ તો એક જ હોય. આવું સ્પષ્ટદર્શન આપના મૂળ શાસ્ત્રીય ગ્રંથોમાં જોઈ શકાય છે.
…
મૂળ વાત ઉપર આવીએ. નિરાકારનો ઉપાસક શ્રેષ્ઠ છે કે સાકારનો? પરમાત્મા જો ખરેખર નિરાકાર હોય
તો તેનાથી એકદમ વિરોધ ધર્મ સાકારતા તેમાં કેમ ઘટી શકે? જો ઘટી જ ન શકે તો નિરાકાર-સાકારનો પ્રશ્ન જ નથી રહેતો. પણ પ્રશ્ન છે, આજનો નહિ, સદીઓ જુનો છે. આ બે માન્યતાઓએ સંસારમાં-ધર્મસંસારમાં કોણ જાણે કેટકેટલી ઊથલપાથલ કરી છે – કરી રહી છે. એટલે બે વિરોધી ધર્મ હોવાં છતાં પણ તેમાં કાંઇક તો શક્યતા છે જ. શાસ્ત્રોના બન્ને સ્વરૂપો સ્વીકૃત છે. ખુદ ગીતામાં આ ચર્ચા છે. તેણે બંનેને માન્યતા આપી હોવા છતાં તેનો ઝુકાવ તો સાકાર તરફ વધુ છે.
क्लेशोधिकतरस्तेषामव्यक्तासक्ता चेतसाम् |
अव्यक्ता हि गतिर्दु:खं देहवदद्मिरबाप्यते | ગીતા ૧૨/૫
આવો, આ તત્વને સમજવા પ્રયત્ન કરીએ.
જે પ્રેરણા આપે તેને પ્રતીક કહેવાય. જેમાં પ્રેરણા સ્ફૂર્તિ તથા પ્રતીકતા હોય તે પ્રતિમા કહેવાય. પ્રતિમા સાકારની જ હોય એવું નથી, નિરાકારની પણ હોય. નિરાકારની પ્રતિમા હોય જ નહિ તેવી હઠ બરાબર નથી. દાખલા તરીકે અક્ષરો નિરાકાર છે. ક-ખ-ગ વગેરે અક્ષરો મૂળમાં નિરાકાર જ છે પણ સંસારભરની સેંકડો લિપિઓમાં તેમનાં નિશ્ચિત રૂપો કલ્પ્યાં છે. ગુજરાતીમાં ક, હિન્દીમાં ક, અંગ્રેજીમાં A વગેરે કોણ જાણે કેટલાં રૂપો છે. આ બધાં કલ્પિત બીબાં છે. મૂળ ‘ક’ તો નિરાકાર જ છે. જો આ બીબાં જ તેનું વાસ્તવિક સ્વરૂપ હોય તો અસંખ્ય લિપિના અસંખ્ય કક્કાઓ માંથી કયો વાસ્તવિક કક્કો છે તે નક્કી કરવું અસંભવ થાય. એટલે આ કાગળો ઉપર લખાતા અક્ષરો તે મૂળ અક્ષરના પ્રતીક છે, પ્રતિમા છે. હવે આ પ્રતીકરૂપ અક્ષરની પ્રતિમાઓનો દ્રઢ મહાવરો થયા પછી ક ને જોતાં જ ‘ક’ અક્ષરની પ્રેરણા – સ્ફૂર્તિ થઇ આવે છે. આખા સંસારનું કામ આવી રીતે અક્ષર પ્રતિમાઓથી ચાલે છે; તેને કોણ અવગણી શકે? એટલે સાકારનું જ પ્રતીક હોય નિરાકારનું હોય જ નહિ, તેવું કથન બરાબર નથી. વળી, એમ પણ કહી શકાય કે સાકાર કરતાં નિરાકારના પ્રતીકની વધુ આવશ્યકતા રહે. સાકાર તો પોતાના સ્વસ્વરૂપને પણ પ્રેરણા – સ્ફૂર્તિ આપી શકે. નિરાકાર કેવી રીતે પ્રેરણા આપી શકે ? એટલે તેની પ્રેરણા – સ્ફૂર્તિ તેનું પ્રતીક પ્રતિમા થયા પછી આવે છે તેમ કહી શકાય.
* કેટલોક ભાગ અપ્રસ્તુત હોવાથી અહીં નથી મૂકી શકાયો. સુજ્ઞ વાચકોને આ ભાગ પુસ્તક માંથી વાંચી લેવા નમ્ર વિનંતી. આભાર.
આપને સ્વામીજી નાં વિચારો કેવા લાગ્યાં? તમે પોતાનો અભિપ્રાય અહીં જણાવો.
Very good if you have translation in English please load on web for young generation thank you
વેરય good
very good