[ આ લેખનું અક્ષરાંકન સ્વામીજી ના પુસ્તક  ‘ચિંતન-કણિકાઓ’  માંથી કરવામાં આવ્યું છે. ]

૧. વિશ્વમાં સૌથી વધુ ઝઘડા પતિ-પત્નીઓમાં થતાં હોય છે. કારણ કે સૌથી નિકટનો સંબંધ તેમનો છે. પરસ્પરનાં હિત તથા અપેક્ષાઓ પતિ-પત્ની વચ્ચે સૌથી વધારે હોય છે. લાગણીઓની કોમલતા તથા નાજુકતાનું ક્ષેત્ર પણ પતિ-પત્નીઓમાં સવિશેષ રહેતું હોય છે. એટલે નાની નાની બાબતોમાં પણ લાગણીઓને ઘવાતા વાર નથી લાગતી. પ્રેમની પીઠિકા લાગણી છે અને લાગણીઓ હંમેશા નાજુક તંતુઓથી અવલંબિત હોય છે. આ તંતુઓ આઘાત-પ્રત્યાઘાતને સહી નથી શકતા હોતા. લાગણીઓની તીવ્રતા જેટલી પ્રબળ તેટલી જ તેની નાજુકતા વધારે. તીવ્ર પ્રેમની ગાડી બહુ જ તીવ્રતાથી પાટા ઉપરથી ઉથલી પડતી હોય છે.

૨. પત્ની પાછળ વાસનાના પૂરને કારણે ભટકનાર પતિ કદી સાચો પતિ કે સાચો પ્રેમી નથી થઇ શકતો. તેમ વાસનાના આકર્ષણમાં પતિને ખેંચ્યા કરનાર પત્ની પણ સાચી પત્ની નથી થઇ શકતી. બન્નેના સંબંધો ગમે તેટલા ગહન હોય તોપણ તે ક્યારે કાચની માફક નંદવાઈ જશે તે કહી ન શકાય.

૩. દામ્પત્યજીવનની સફળતા માટે સમજણની સમજણ એ છે કે બીજાને સુખી કરીને પોતે સુખી થઇ શકશે. જો આ મૂળ સમજણ બરાબર દ્રઢ રહી તો બાકી બધું થોડું ઘણું વાંકુચૂકું હશે તોપણ ચાલી શકશે. બીજા પાત્રને સુખી કરવા જ પોતે લગ્ન કર્યાં છે એવી નિષ્ઠાને હંમેશા પોષણ મળે તેવું વાંચન, મનન તથા તેવો સંગ આવશ્યક હોય છે. આવાં તત્વોથી સાવધાન રહીને જીવનનાવ ચલાવાય તો જ નાવ કિનારે પહોંચે, નહીં તો પાણીમાં સંતાયેલા ખડકોની માફક દૃષ્ટ માણસો સારા દામ્પત્યને ખળભળાવી મૂકશે.

૪. દામ્પત્યજીવનને સ્ત્રીની સહનશક્તિ જ દીર્ઘાયુષ્ય આપતી હોય છે. સારામાં સારો સદગુણી પુરુષ પણ થોડાઘણા અંશમાં સ્ત્રીને સહન કરાવતો હોય જ છે. તેનાં મૂળમાં પુરુષનું વર્ચસ્વ તથા સ્ત્રીની આધીનતા કારણ છે. જોકે પુરુષોનો સીમિત રુઆબ સહન કરવામાં સ્ત્રીને વેદના નહિ, પણ સુખ થતું હોય છે. જો તે સીમિત રુઆબ પાછળ અસીમિત પ્રેમ પડ્યો હોય તો. પણ જો પાછળ પ્રેમ ન હોય અને માત્ર રુઆબ જ થયા કરતો હોય તો સ્ત્રીમાનસમાં વિદ્રોહના અંકુર ફૂટવા માંડે. તેમાંથી નફરતનો જન્મ થાય, તેમાંથી કલહ-કંકાસ અને દામ્પત્યજીવનની હોળી પ્રગટતી હોય છે.

૫. શુદ્ધ પ્રેમને વિરહના તાપ હોય જ છે. વિરહ દ્વારા જ પ્રેમની શુધ્ધતા પ્રગટી શકે છે. પણ વિરહક્ષેત્રે પુરુષ કરતાં સ્ત્રીની ભૂમિકા જુદી હોય છે. પુરુષ બૌદ્ધિક રીતે તથા વ્યવહારિક કાર્યક્ષેત્ર દ્વારા વિરહના સમયને ટૂંકાવી નાખે છે, પણ સ્ત્રીની લાગણીઓ તીવ્ર હોવાથી તથા મન પરોવવા માટે અન્ય મહત્વની પ્રવૃતિઓ ના હોવાથી તેની લાગણીઓ લગભગ સતત બળતી રહે છે. બળતી લાગણીઓમાં તે પુરુષની તુલનામાં અધિક શેકાય છે.

૬. દીકરીને દાગીનાનો દહેજ આપવો તેના કરતાં સ્વાવલંબીતાની શક્તિ આપવી તે સાચું કલ્યાણ છે.

૭. પ્રેમની સત્યતા માત્ર ચિતામાં સાથે બળવાથી જ થતી હોય તો હવે પતિઓએ પણ સતા થવાની શરૂઆત કરવી જોઈએ ! કારણ કે પ્રેમ તો પતિઓ પણ કરતા હોય છે. સદીઓ સુધી લાખ્ખો પત્નીઓ, પતિઓની પાછળ સતી થતી રહી. શું હજી સુધી એક પણ પતિ પત્નીપ્રેમી નથી નીકળ્યો?
હિંદુ પ્રજાની રાષ્ટ્રીય, આર્થીક અને સામાજિક દુર્દશાનું મૂળ કારણ તેના પ્રચલિત રૂઢીધર્મો છે. આ રૂઢીધર્મોએ ધર્મને મારી નાખ્યો છે એટલે સાચા અર્થમાં તો પ્રજા ધર્મ વિનાની થઇ ગઈ છે. આ રૂઢીધર્મોમાં જો આમૂલ ક્રાંતિ નહિ કરાય તો પ્રજા આ ધર્મો (રૂઢીધર્મો) થી જ મરી જશે. માને સ્પષ્ટ દેખાય છે કે કાં તો પ્રજા બચશે અથવા કાં તો આ રૂઢીધર્મો બચશે.

૮. માત્ર લગ્નથી જોડાવું એ પર્યાપ્ત નથી, તે તો ઉપરનો વ્યવહારિક સંબંધ છે, પણ અંતરથી એકબીજામાં ભળી જવું, એવું ભળવું કે પછી બન્નેનું અસ્તિત્વ અને વ્યક્તિત્વ માત્ર એક જ થઇ જાય, એ દામ્પત્ય છે. દામ્પત્યની પૂર્ણ નિષ્પત્તિ એ સફળ જીવનની સૌથી મોટી બક્ષીશ છે. માત્ર જોડાવું જ નહિ, ભળી જવું. સંપૂર્ણ ભળી જવું, એ દામ્પત્ય છે.

૯. કુદરતી પરિપ્રેક્ષ્યમાં સ્ત્રીને સમર્પિત થવાનું, તેના સમર્પણથી પુરુષનું પ્રત્યાર્પણ થાય છે. સમર્પણ અને પ્રત્યાર્પણથી દામ્પત્ય નિષ્પન્ન થાય છે. અહંભાવ તથા સ્વાર્થના ત્યાગ વિના આ શક્ય નથી. જે સ્ત્રી સંપૂર્ણ સમર્પણ નથી કરી શકતી તે સંપૂર્ણ પ્રત્યાર્પણ પણ નથી પામી શકતી. જે પુરુષ સમર્પિત સ્ત્રીને પણ સંપૂર્ણ પ્રત્યાર્પણ નથી કરી શકતો તે દામ્પત્યની વિશ્રાંતિ નથી અનુભવી શકતો.

૧૦. અત્યંત અહંકારી અને સ્વકેન્દ્રિત વ્યક્તિઓએ પણ લગ્ન ન કરવાં જોઈએ. લગ્ન એક નાનીસરખી વિધિ છે, પણ તેનું પૂરું પરિણામ દામ્પત્ય છે. દામ્પત્ય એક સાધના છે. પુરોહિતોની વિધિમાત્રથી તે સિદ્ધિ થતી નથી. તેના માટે નરનારી બન્નેએ લાંબી કઠોર સાધના કરવી પડતી હોય છે. કન્યા સર્વાતોભાવેન પતિમાં સમર્પિત થાય તથા વર સર્વાતોભાવેન કન્યામાં પ્રત્યાર્પિત થાય તો જ સફળ દામ્પત્યની સિદ્ધિ થઇ શકે. જે લોકો બહુ અહંકારી તથા માત્ર સ્વલક્ષી હોય છે, તેવાં માણસો સમર્પિત કે પ્રત્યાર્પિત થઇ શકતાં નથી. આવાં માણસો બાહ્ય જીવનમાં ગમે તેટલાં મહાન હોય તો પણ લગ્નજીવનમાં તદ્દન નિષ્ફળ થતાં હોય છે. તેમનું લગ્નજીવન તેમના માટે ઉપાધિ કે ત્રાસરૂપ થઇ જતું હોય છે. આવાં માણસોએ લગ્ન કરતાં પહેલાં પોતાની પ્રકૃતિનો વિચાર કરવો જોઈએ.
પ્રજાજીવનમાં પેટના પ્રશ્ન પછી મહત્વનો પ્રશ્ન સેક્સનો છે. પેટનોપ્રશ્ન ઉકેલી શકાય પણ જો સેક્સનો પ્રશ્ન ન ઉકેલી શકાય તો પ્રજા દુઃખી અને અશાંત થઇ જશે. સેક્સના પ્રશ્નનો સાચો અને ભરોસાપાત્ર ઉકેલ લગ્નસંસ્થા છે. લગ્નસંસ્થાનું પૂરું રક્ષણ થવું જોઈએ. વાસના કુદરતી તત્વ છે, જયારે પ્રેમ કુદરતી અને માનવીય તત્વ છે. માત્ર વાસનાથી લગ્નસંસ્થા મજબૂત ન થઇ શકે, કારણ કે વાસના કિનારા વિનાની પર્વતીય નદી છે, જેનો પ્રચંડ વેગ માત્ર તણાય જવાનું અને તાણી નાખવાનું જ કાર્ય કરતો રહે છે. પ્રેમ અને વફાદારીના કિનારા વિના આ ગાંડી વાસનાને નાથવી શક્ય જ નથી. બે વફાદારીઓનો પૂર્ણ સરવાળો પ્રેમ છે. વફાદારી વિના વાસનાતો ફળીફૂલી શકે છે. પ્રેમ નહિ. પરસ્પરની વફાદારી તૂટે તેવા પ્રયત્નો કે તેવું દર્શન પ્રેમનો નાશ કરનારું બને છે. પ્રેમ વિનાની વાસના પૂરી પ્રજા માટે ભયંકર પ્રશ્નો ઉભા કરે છે. પ્રેમ અને વાસના બન્નેની માનવીય જીવનમાં જરૂર છે જ પણ તે લગ્નસંસ્થાના માધ્યમથી.
પણ લગ્નસંસ્થા જો દૂષિત હશે તો પ્રજા માટે, સ્ત્રીઓ માટે, પુરુષો માટે, વિવાહીતો માટે, અવિવાહીતો માટે અને વિવાહને પાપ માનીને દૂર ભાગનારા માટે ભયંકર પ્રશ્નો ઉભા કરશે. એટલે લગ્નસંસ્થાને વધુ માનવીય અને સૌના માટે ન્યાયકારી બનાવવી જોઈએ. વિધવાઓ, વિધુરો, ત્યકતાઓ અને વંચિતો એમ સૌનો વિચાર કરીને સૌના પ્રશ્નોને ઉકેલી શકાય તેવી વ્યવસ્થા જ ઉત્તમ વ્યવસ્થા બની શકે.

૧૧. જે ઘરમાં સ્ત્રીઓના પ્રશ્નો ઉકેલાતા હશે તે જ ઘરમાં શાંતિ રહેતી હશે. વણઉકેલ્યા સ્ત્રીઓના પ્રશ્નો અશાંતિ સર્જે છે. પુરુષોના પ્રશ્નો ન ઉકેલાય તો દુઃખ પેદા થાય છે.

૧૨. દામ્પત્યની સફળતામાં એકબીજાની રુચિઓ તથા માન્યતાઓનો આદર અને સહિષ્ણુભાવ રાખવો એ જરૂરી શરત છેમ અનેક પ્રતિકૂળતામાં પણ સ્ત્રી છૂટી થવા નથી માગતી, એની પ્રતીતિ થતાં જ પુરૂષ વધુ બેફામ થઇ શકે છે. કારણ કે ખાનદાન સ્ત્રીની આવી કમજોરી તેને બેફામ થવાનો પાનો ચઢાવે છે. પછી જીવન ગૂંગળાવા લાગે છે. ઘણીવાર આવી જ દશા ભદ્ર પુરૂષની, અભદ્ર સ્ત્રી દ્વારા પણ થતી હોય છે.

આપને સ્વામીજીના વિચારો કેવા લાગ્યા? તમારો અભિપ્રાય અહીં જણાવો.