ઘણી વાતો જાણવા છતાં પણ ઢાંકી દેવામાં કે ભૂલી જવામાં જ કલ્યાણ હોય છે. સત્ય પણ કલ્યાણકારી હોય તોજ પ્રગટાવવું હિતકર છે. જે સત્યના પ્રગટ થવાથી કોઈનાં જીવન રહેંસાઈ જતાં હોય તેવા સત્યને પ્રગટ કરવું તે વિવેકનું પગલું ન કહેવાય.
જીવનપ્રક્રિયા એટલી જટિલ છે કે પ્રત્યેક પગલું પરિસ્થીતિનો વિવેક કરીને ભરાય તો જ કલ્યાણ થાય. ક્રોધની બાબતમાં પણ વિવેકની જરૂર ખરી જ. વિવેક હોય તો ક્રોધ પણ કલ્યાણકારી થઇ જાય.
વિજ્ઞાન અનિવાર્ય છે, વિકાસ અનિવાર્ય છે, પ્રગતિના પણ પ્રશ્નો છે જ, પણ તેનાં સમાધાન પણ છે. પ્રશ્નો થશે માટે પ્રગતિ જ ન કરવી અને જ્યાંના ત્યાં પલાંઠી વાળીને બેસી રહેવું તે આત્મહત્યા છે.
જવાબદાર વ્યક્તિ નિશ્ચીંત ન રહી શકે. ઉચિત ચિંતા તથા કાંઇક મૂંઝવતા પ્રશ્નોનો ભાર વ્યક્તિને સ્વચ્છંદી થતાં રોકે છે. કશી જ ચિંતા ન હોય અને કાંઈ ભાર પણ ન હોય, જવાબદારીશૂન્ય જીવન હોય તો તેવું જીવન વરદાન નહિ, અભિશાપ જ સમજવું.
જીવનમાં ઉત્તમ વ્યક્તિની પ્રાપ્તિ હીરાની પ્રાપ્તિ કરતાં પણ વધુ મહત્વની છે. પછી તે વ્યક્તિ પતિ હોય, પત્ની હોય, મિત્ર હોય કે ગુરુ હોય, કોઈ પણ હોય. શ્રેષ્ઠ વ્યક્તિથી સંસારમાં કશું જ વધુ કિંમતી નથી. સોનું શોધવા નીકળેલા માણસો કરતાં ઉત્તમ વ્યક્તિ શોધવા નીકળેલા માણસો વધુ ડાહ્યા હોય છે, કારણ કે સોનાના સુખ કરતાં ઉત્તમ વ્યક્તિનું સુખ વધારે છે. સોનુંતો કદાચ કોઈ સમયે દુઃખરૂપ થઇ શકે છે. પણ ઉત્તમ વ્યક્તિઓ જીવનમાં અનાયાસે મળી જતી હોય છે. અનાયાસે મળતા લાભોમાં ઈશ્વરકૃપાની અનુભૂતિ કરવી જ જોઈએ.
જીવનનાં મૂલ્યો અને આચારને સીધો સંબંધ છે. આ જીવનનાં મૂલ્યોનું બીજું નામ સંસ્કૃતિ તથા કેટલાક અંશે ધર્મ પણ થાય છે. પ્રજાની પાસે જીવનનાં ઉચ્ચ મૂલ્યો હોવાં જ જોઈએ, પણ તે સદગુણલક્ષી હોવાં જોઈએ. સદ્દગુણલક્ષી એટલે પ્રજા દયા, ઉદારતા, શૌર્ય, પ્રમાણિકતા, જ્ઞાન, વૈરાગ્ય, ત્યાગ, ક્ષમા વગેરે ઉચ્ચગુણો દ્વારા મૂલ્યો સ્થાપિત કરતી હોય.
શ્રદ્ધાને પણ વિવેકની આંખો તો હોવી જ જોઈએ. જો આવી આંખ ન હોય તો શ્રદ્ધા અંધશ્રદ્ધા બની જાય છે. કેટલાય ગંધાતા કુંડોનું પવિત્ર ગણાતું પાણી લાખો યાત્રાળુઓ પીતાં હશે. જો જળનું આચમન કરવાની ધાર્મિક વિધિ જરૂરી હોય તો જળને સ્વચ્છ રાખવું પણ જરૂરી છે. પણ આપણે તીર્થોને, ઘાટોને, મંદિરોને, કુંડોને અત્યંત સ્વચ્છ રાખી શકતા નથી, કારણ કે સ્વચ્છતા વિના પણ પવિત્રતા રહી શકે છે એવું માનીએ છીએ.
સ્વયં કુદરતે જ માણસને એક વધારાની શક્તિ આપી છે, એનું નામ છે ‘વિવેક’. વિવેકનો અર્થ થાય છે, સત્ય-અસત્ય, તથ્ય-અતથ્ય, હિત-અહિત, કલ્યાણ-અકલ્યાણની સ્પષ્ટતા કરવાની ક્ષમતા. આવી ક્ષમતા, પ્રત્યેક પ્રૌઢ અને શાણા માણસમાં થોડા-ઘણા અંશમાં હોય છે. વિવેક એ જ જીવન છે. એ ન્યાયેજીવનમાર્ગનું નિર્ધારણ જાગ્રત વિવેકથી થાય તો તે વધુ કલ્યાણકારી માર્ગ બની શકે.
જીવનસાધનાનું પહેલું અને છેલ્લું પગથીયું વિવેક છે. વિવેકની સિદ્ધિમાં બધી સિધ્ધિઓ સમાયેલી છે. સૃષ્ટિરચનાના પરિપ્રેક્ષ્યમાં આવેગો અને લાગણીઓની યોગ્ય માત્રાના નિર્ણયમાં પણ વિવેક જ મહત્વની વસ્તુ છે. વિવેકપૂર્વકની માત્રામાં જ જીવન છે.
Related posts:
કામ [ સ્વામીજી ની નવા પુસ્તક વાસ્તવિકતા માંથી આ પ્રકરણ લેવામાં આવ્યું છે.] ૧. કામ ઈશ્વરીય રચના છે. હેતુપૂર્ણ છે. તેના...
જીવનનું લક્ષ્ય [ સ્વામીજી ની નવા પુસ્તક વાસ્તવિકતા માંથી આ પ્રકરણ લેવામાં આવ્યું છે.] ૧. જીવનનું લક્ષ્ય સૂખી થવાનૂં છે. ૨. સૂખનું...
શિવ એટલે શું? [ સ્વામીજી ના પુસ્તક શિવતત્વ નિર્દેશ માંથી આ પ્રકરણ લેવામાં આવ્યું છે. ] પરમકલ્યાણનું નામ શિવ છે. પરમાત્મા માત્ર અસ્તિત્વરૂપ...
પ્રેમ – વેલેન્ટાઈન ડે પ્રેમ કદી બંધન વિનાનો હોતો જ નથી. પોતાનું બંધન બીજી વ્યક્તિ તથા બીજી વ્યક્તિનું બંધન પોતે સુખપૂર્વક સ્વીકારે ત્યારે પ્રેમ...
Leave A Comment